VIDEO : Health Tips : ઘરના લોકોને પણ ન આપો આ 4 વસ્તુઓ, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે
આપણે આપણી વાતો ભલે અંગત લોકોથી છુપાવી લઈએ, પરંતુ આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે ભાગ્યે જ તેમનાથી છુપાવીએ છીએ. ઘણીવાર પોતાના જ ઘરમાં પોતાના પાર્ટનર સાથે કોઈ વસ્તુ શેર ન કરવી તેને મૂર્ખામી માનવામાં આવે છે. પરંતુ જો તમે તમારી ત્વચાને પ્રેમ કરો છો અને ઈચ્છો છો કે તમારા પાર્ટનરની ત્વચા પણ સ્વસ્થ રહે, તો કેટલીક એવી વસ્તુઓ છે જે પાર્ટનર સાથે પણ ક્યારેય શેર ન કરવી જોઈએ. કારણ કે આ વસ્તુઓ શેર કરવાથી માત્ર તમારી જ નહીં, પણ તમારા પાર્ટનરની ત્વચા પણ સંક્રમિત (ઇન્ફેક્ટેડ) થઈ શકે છે અને તેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ આ પાંચ વસ્તુઓ વિશે...
આ 4 વસ્તુઓ ક્યારેય શેર ન કરો
કાંસકો
સામાન્ય રીતે ઘરમાં રાખેલા એક જ કાંસકાથી બધા લોકો વાળ ઓળાવતા હોય છે, પરંતુ આવું કરવું ખોટું છે. કાંસકો બીજા સાથે શેર કરવાથી 'ડર્મેટોફાયટોસિસ' થઈ શકે છે, જેને સામાન્ય ભાષામાં દાદર કે ફંગલ ઇન્ફેક્શન કહેવાય છે. જ્યારે આપણે કોઈ બીજાનો કાંસકો વાપરીએ છીએ, ત્યારે સ્કેલ્પ (માથાની ત્વચા) પર રહેલા ફંગસ કે બેક્ટેરિયા એક માથામાંથી બીજા માથામાં સરળતાથી પહોંચી જાય છે. આ ઉપરાંત કાંસકાના દાંતામાં ડેડ સ્કીન સેલ્સ અને નેચરલ ઓઈલ ફસાયેલા હોય છે, જે બેક્ટેરિયાના ઉછેર માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. જૂનું સંક્રમણ પણ આના દ્વારા જ ફેલાય છે.
ટુવાલ
ઘણીવાર પરિવારના બધા સભ્યો એક જ ટુવાલનો ઉપયોગ કરતા હોય છે, જે પદ્ધતિ સાવ ખોટી છે. જ્યારે કોઈ વ્યક્તિ ટુવાલ વાપરે છે, ત્યારે તેની ત્વચા પરના બેક્ટેરિયા કે ફંગસ ટુવાલમાં ચોંટી જાય છે. ટુવાલમાં ભેજ વધુ હોવાને કારણે તે બેક્ટેરિયાના ઉછેરનું કેન્દ્ર બને છે. જો બીજું કોઈ તે જ ટુવાલ વાપરે, તો આ સૂક્ષ્મ જીવો તેની ત્વચામાં પ્રવેશી શકે છે, જેનાથી ત્વચા કે આંખોના ઇન્ફેક્શન અને 'એથલીટ ફૂટ' જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સાબુ
સાબુની ગોટી (સોપ બાર) પણ બીજા સાથે વાપરવી જોઈએ નહીં. સંશોધનો જણાવે છે કે સાબુની સપાટી પર બેક્ટેરિયા, વાયરસ અને ડેડ સેલ્સ ચોંટેલા રહી શકે છે. ભલે સાબુના ફીણ કીટાણુઓને ધોઈ નાખતા હોય, પણ તેની સપાટી પર બનેલું બેક્ટેરિયાનું પડ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. જો કોઈને ત્વચા પર ઘા કે ફોડલા હોય, તો સાબુ શેર કરવો એ બીજા માટે ચામડીના રોગોનું સીધું આમંત્રણ છે.
રેઝર
રેઝર શેર કરવું સૌથી ખતરનાક છે કારણ કે તે લોહીથી ફેલાતા રોગોનું સીધું માધ્યમ બની શકે છે. શેવિંગ કરતી વખતે ત્વચા પર ઘણીવાર સૂક્ષ્મ કટ (ઝીણા ઘા) પડતા હોય છે જે દેખાતા નથી. જો રેઝર શેર કરવામાં આવે, તો અગાઉની વ્યક્તિનું લોહી કે પ્રવાહી બ્લેડ પર રહી શકે છે. આનાથી હેપેટાઈટિસ-બી, સી અને એચઆઈવી જેવા ગંભીર વાયરસ ફેલાવાનું જોખમ રહે છે. ઉપરાંત બ્લેડમાં ફસાયેલા બેક્ટેરિયાથી સ્કીન પર ફોડલીઓ અને સોજો આવી શકે છે.
નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

