કેન્સર અને ઇન્ફેક્શન: શું સામાન્ય ચેપ બની શકે છે કેન્સરનું કારણ? નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચે કેન્સર પર પોતાના એક નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં કેન્સરના દર 8માંથી 1 કેસનું કારણ ઇન્ફેક્શન (ચેપ) હોઈ શકે છે. પછી ભલેને તમે તેના માટે રસી (વેક્સિનેશન) અપાવી જ કેમ ન હોય. રિસર્ચ મુજબ વર્ષ 2024માં કેન્સરના 19.2 મિલિયન નવા કેસો સામે આવ્યા હતા, જેમાંથી 2.3 મિલિયન કેસો સીધા ઇન્ફેક્શન સાથે જોડાયેલા હતા. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે કેન્સરના આ તમામ કેસો માત્ર 5 પ્રકારના ઇન્ફેક્શન સાથે સંબંધિત હતા.
આજના સમયમાં લોકોની ખાવા-પીવાની ટેવો એટલી હદે બગડી ગઈ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસો સતત વધી રહ્યા છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, ખોરાકમાં કેમિકલ કે રંગોની ભેળસેળ અને આવાં અનેક કારણો છે જે કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ વધારે છે. અહીં જાણો આ નવું સંશોધન શું કહે છે...
કયા પ્રકારના ઇન્ફેક્શનથી કેન્સરનું જોખમ?
આ 5 પ્રકારના ઇન્ફેક્શનમાં હેલિકોબેક્ટર પાઇલોરી (H. pylori), એચપીવી (HPV), હેપેટાઇટિસ B અને C, તેમજ એપ્સટીન-બાર વાયરસ (EBV)નો સમાવેશ થાય છે. હેલિકોબેક્ટર પાઇલોરી એ એક સામાન્ય બેક્ટેરિયા છે જે દૂષિત ખોરાક અને પાણી દ્વારા પેટમાં ઇન્ફેક્શન ફેલાવે છે. જ્યારે EBV ને ગ્લેન્ડ્યુલર ફીવરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો હેપેટાઇટિસ B અને C થાય અને તેને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે, તો સ્વાસ્થ્યની સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે.
સંશોધકોએ 'ધ લેન્સેટ ઓન્કોલોજી'માં લખ્યું છે કે કેન્સરના વધતા કેસો પર અંકુશ મેળવવા માટે ઇન્ફેક્શન કંટ્રોલ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. આ સિવાય નવી નિવારક રસીઓ (પ્રિવેન્ટિવ વેક્સિન) વિકસાવવી પણ તેમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
2024માં HPVના કારણે કેન્સરના 24,000 કેસ
સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024માં વેસ્ટર્ન યુરોપમાં HPVના કારણે કેન્સરના 24,000 કેસો સામે આવ્યા હતા. આથી તેને ઇન્ફેક્શનથી થતા કેન્સરનું એક મોટું કારણ ગણાવવામાં આવ્યું છે. આ એક સામાન્ય વાયરસ છે જે ત્વચા અને શરીરના અંદરના સ્તરના કોષોને સંક્રમિત કરે છે, જેમાં મોં અને ગળાના કોષો પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે સર્વાઇકલ કેન્સરના લગભગ તમામ કેસો HPV સાથે જોડાયેલા હોય છે.
H. pylori પણ કેન્સરનું મોટું કારણ
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2024માં હેલિકોબેક્ટર પાઇલોરી પણ સંક્રમણથી થતા કેન્સરમાં સૌથી મોટું કારણ હતું. તેનાથી લગભગ 7.6 લાખ કેન્સરના કેસો જોડાયેલા હતા, જેમાંથી મોટાભાગના પેટના કેન્સરના હતા. સંશોધકો જણાવે છે કે હેલિકોબેક્ટર પાઇલોરી સામે રસી વિકસાવવામાં અત્યાર સુધી ખૂબ જ ધીમી પ્રગતિ થઈ છે. નિષ્ણાતોના મતે, જો આવી રસી બની જાય તો વિશ્વભરમાં પેટના કેન્સરના કેસો ઘટાડવામાં મોટો તફાવત આવી શકે છે.
હેપેટાઇટિસ B અને Cથી કેન્સર
ઇન્ફેક્શનથી થતા કેન્સરનું બીજું એક મોટું કારણ હેપેટાઇટિસ B અને C ને પણ બતાવવામાં આવ્યું છે. આ બંને વાયરસ મળીને કેન્સરના લગભગ એક-તૃતિયાંશ કેસો માટે જવાબદાર રહ્યા હતા. સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેન્સરના અન્ય જોખમી પરિબળોની સરખામણીમાં હેપેટાઇટિસથી થતા કેન્સરને મોટા પ્રમાણમાં રોકી શકાય છે, કારણ કે તેની સામે અસરકારક સારવાર ઉપલબ્ધ છે.
હેપેટાઇટિસ B ને હવે એન્ટીવાયરલ દવાઓથી નિયંત્રિત કરી શકાય છે, જ્યારે હેપેટાઇટિસ C ને મોટાભાગના દર્દીઓમાં સંપૂર્ણપણે મટાડી શકાય છે.

