ગ્લોઇંગ સ્કિન માટે ક્યાંક નુકસાન તો નથી કરી રહ્યા? આજે જ બદલી નાખો આ ખરાબ આદતો

સ્વસ્થ, સાફ અને ચમકદાર ત્વચા દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે લોકો મોંઘા સીરમ, ક્રીમ અને જાતજાતના સ્કીનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર ત્વચાને વધુ સુંદર બનાવવાની ઘેલછામાં આપણે એવી આદતો અપનાવી લઈએ છીએ, જે ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે. ડર્મેટોલોજિસ્ટની સલાહ મુજબ સ્કીનકેરમાં હંમેશા વધુ પડતા પ્રોડક્ટ્સ વાપરવા જરૂરી નથી હોતા. એક સિમ્પલ અને જરૂરિયાત મુજબ તૈયાર કરેલું રૂટીન ત્વચા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં જાણો એવી 4 આદતો વિશે, જેને તમારે આજે જ છોડી દેવી જોઈએ…
1. એકસાથે ઘણા બધા સ્કીનકેર પ્રોડક્ટ્સ લગાવવા
આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના સીરમ, એસિડ, ટોનર અને એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ વાળા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. દરેક પ્રોડક્ટનો અલગ ફાયદો જોઈને લોકો ઘણી બધી વસ્તુઓ એકસાથે પોતાના રૂટીનમાં સામેલ કરી લે છે. પરંતુ આમ કરવાથી ત્વચામાં બળતરા, લાલાશ (રેડનેસ), શુષ્કતા કે ઇરિટેશનની સમસ્યા થઈ શકે છે, ખાસ કરીને જ્યારે એકસાથે દસ પ્રકારના એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાતા હોય. તેથી સ્કીનકેર રૂટીનને સિમ્પલ રાખવું વધુ હિતાવહ છે. સવારે ક્લીન્ઝર, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન જેવા બેઝિક સ્ટેપ્સ પૂરતા છે. રાત્રે ક્લીન્ઝર, જરૂરિયાત મુજબ કોઈ એક ટ્રીટમેન્ટ કે સીરમ અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકાય છે.
2. મેકઅપ કે સનસ્ક્રીન લગાવ્યા વગર જ સૂઈ જવું
આખો દિવસ બહાર રહ્યા પછી ચહેરા પર મેકઅપ, સનસ્ક્રીન, પરસેવો, તેલ અને ધૂળ જમા થઈ જાય છે. એવામાં ચહેરો સાફ કર્યા વગર સૂઈ જવું ત્વચા માટે બિલકુલ સારું નથી માનવામાં આવતું. મેકઅપ અને ત્વચા પર જામી ગયેલી ગંદકી પોર્સ (છિદ્રો) ને બંધ કરી દે છે, જેનાથી બ્રેકઆઉટ્સ કે ઇરિટેશનની સમસ્યા વધી શકે છે. તેથી રાત્રે સૂતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરવો જરૂરી છે. જો મેકઅપ કર્યો હોય તો પહેલા તેને રિમૂવ કરો અને પછી પોતાની ત્વચાને અનુકૂળ માઇલ્ડ ક્લીન્ઝરનો ઉપયોગ કરો.
3. પિમ્પલ્સને વારંવાર ફોડવા
ચહેરા પર ખીલ થતાં જ તેને દબાવવાનું કે ફોડવાનું મન થાય છે, પણ આ આદત ત્વચાને ભારે નુકસાન પહોંચાડી શકે છે. પિમ્પલને દબાવવાથી સોજો અને આસપાસની ત્વચાને થતું નુકસાન વધી જાય છે. આનાથી ઘા પડવાનો, ઇન્ફેક્શન થવાનો અને પાછળથી કાળા ડાઘ રહી જવાનો ખતરો વધી જાય છે. તેથી પિમ્પલને હાથ લગાવવાને બદલે તેને કુદરતી રીતે જ ઠીક થવા દો. જરૂર પડે તો ત્વચાના નિષ્ણાત (ડર્મેટોલોજિસ્ટ) ની સલાહ લઈને યોગ્ય ટ્રીટમેન્ટ લઈ શકાય છે.
4. ‘નેચરલ’ કે ‘ક્લીન’ પ્રોડક્ટને હંમેશા સુરક્ષિત માનવું
કોઈ પ્રોડક્ટ પર ‘Natural’, ‘Herbal’ કે ‘Clean’ લખેલું હોવું એ વાતની ગેરંટી નથી કે તે દરેક પ્રકારની ત્વચા માટે સુરક્ષિત કે શ્રેષ્ઠ જ હશે. કુદરતી વસ્તુઓ પણ કેટલાક લોકોને એલર્જી કે ઇરિટેશન આપી શકે છે. તેથી માત્ર પેકેજિંગ કે માર્કેટિંગના દાવાઓ જોઈને પ્રોડક્ટ ન પસંદ કરો. પોતાની સ્કીન ટાઇપ અને તેની જરૂરિયાતને સમજો અને કોઈ પણ નવું પ્રોડક્ટ ઉમેરતાં પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ્સ પર ખાસ ધ્યાન આપો. જો ત્વચા પર સતત બળતરા, લાલાશ કે ખીલની સમસ્યા રહેતી હોય, તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે.

