Beauty Tips: ચોમાસામાં પણ ચહેરો હિરોઈન જેવો ચમકશે! અઠવાડિયામાં માત્ર એક જ વાર લગાવો આ ફેસ પેક

ચોમાસામાં ત્વચા સંબંધિત ઘણી બધી સમસ્યાઓ થાય છે, જેમ કે સ્કીન એલર્જી, રૅશઝ, ઝીણી ફોલ્લીઓ, ખીલ વગેરે. આવા સમયે આયુર્વેદિક ઉપાયો તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. ભારતીય ઘરોમાં સદીઓથી સુંદરતા વધારવા માટે હળદર અને ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ, સાફ અને આકર્ષક બનેલી રહે છે.
હળદર અને ચંદનના ફાયદા
એક્સપર્ટ જણાવે છે કે હળદરમાં 'કર્ક્યુમિન' હોવાને કારણે તે એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. આનાથી ખીલ, ત્વચાની લાલાશ તેમજ પ્રદૂષણને કારણે થતી સમસ્યાઓની શક્યતા ઓછી રહે છે. તેવી જ રીતે, ચંદન પોતાની શીતળતા અને સૌમ્ય સુગંધ માટે જાણીતું છે, જેનાથી ત્વચાને આરામ અને ઠંડક મળે છે. તે ત્વચાને તાજગી આપવા અને વધારાનું તેલ નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
કેવી રીતે કરવો ઉપયોગ?
તમે ઈચ્છો તો આ બંનેની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવી શકો છો અથવા તો અલગ-અલગ ગુલાબજળ, મુલતાની માટી કે ચણાના લોટમાં મિક્સ કરીને પણ ત્વચા પર તેનો ઉપયોગ કરી શકો છો. આ બંનેના મિશ્રણથી ત્વચાની કુદરતી ચમક જળવાઈ રહે છે. એટલું જ નહીં, આ બંનેની સુગંધથી માનસિક શાંતિ પણ મળે છે.
ચોમાસા દરમિયાન આ બંને કુદરતી ઉત્પાદનોને ખાસ કરીને ચહેરા પર લગાવી શકાય છે. જોકે, સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈને ત્વચા પર ખંજવાળ, બળતરા કે લાલ ચકામા દેખાવા લાગે, તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
હળદર-ચંદન ફેસ માસ્ક
જો તમે ચહેરા માટે હળદર-ચંદન ફેસ માસ્ક બનાવવા માંગો છો, તો તેને ઘરે જ સરળ રીતે તૈયાર કરી શકો છો. આ માટે એક ચમચી ચંદન પાવડર લો, તેમાં એક ચપટી હળદર અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે આ તૈયાર પેસ્ટને ચહેરા પર લગાવો અને થોડીવાર એમ જ રહેવા દો જેથી તે સારી રીતે સુકાઈ જાય. ચહેરો સુકાઈ ગયા પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ઉપયોગ કરવાની સાચી રીત
હળદર અને ચંદનથી તૈયાર કરાયેલા આ કુદરતી બ્લીચનો ઉપયોગ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો. આનાથી ન માત્ર તમારી સ્કીન સાફ થશે, પરંતુ ગ્લોઇંગ પણ બનશે. ધ્યાનમાં રાખો કે ચહેરા પર તેને લગાવતા પહેલાં ફેસને સારી રીતે સાફ કરો અને ધોયા પછી મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો.

