VIDEO: યુવા શક્તિ + ડેટા = 21મી સદીનું અર્થતંત્ર’: ભારતની યુવા પેઢી અંગે રાહુલ ગાંધીનું નિવેદન
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે અહીં આયોજિત 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકાર અને તેની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, દેશનો યુવા વર્ગ સિસ્ટમના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે. લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દેશની યુવા શક્તિ અને ડેટા ક્ષમતાને 21મી સદીના આર્થિક વિકાસનો મુખ્ય આધાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના યુવાનોનું સામર્થ્ય વિશ્વની અન્ય મોટી મહાસત્તાઓ કરતાં પણ વધુ શક્તિશાળી છે.
ચીન, અમેરિકા અને રશિયા કરતાં ભારતનો યુવા વર્ગ શ્રેષ્ઠ
પ્રસંગને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, "આપણા દેશમાં 40 કરોડ ઊર્જાવાન યુવાનો છે, જે આ રાષ્ટ્રની સાચી તાકાત છે. લોકો ચીન, અમેરિકા અને રશિયાની આર્થિક તથા તકનીકી ક્ષમતાઓની વાતો કરે છે, પરંતુ 21મી સદીમાં ભારતના યુવાનો અને તેમનામાં રહેલી ક્ષમતા આગળ આ તમામ દેશો ઝાંખા પડે છે."
દર્દ, ડેટા અને દૌલત
પોતાના સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ મુખ્યત્વે ત્રણ બાબતો પર વાત કરવા માંગે છે - દર્દ, ડેટા અને દૌલત. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત પાસે વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી (લગભગ 40 કરોડ યુવાનો) છે. 21મી સદીમાં ટૅક્નોલૉજીની તાકાત ડેટા છે. જેમ 20મી સદીમાં પેટ્રોલ વગર એન્જિન નકામું હતું, તેમ આજે ડેટા વગર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) શક્ય નથી. ભારતનો દરેક નાગરિક જે ડેટા ઉત્પન્ન કરે છે, તે દેશની સંપત્તિ છે.
પ્રગતિના બે મુખ્ય સ્તંભ: યુવા સામર્થ્ય અને ડેટા
21મી સદીના અર્થતંત્ર અંગે વિસ્તૃત વાત કરતા તેમણે ઉમેર્યું કે, "આજના યુગમાં કોઈપણ દેશની વિકાસયાત્રા બે બાબતો પર નિર્ભર કરે છે — પહેલું, યુવાનોની આંતરિક ક્ષમતા અને બીજું, દેશમાં ઉત્પન્ન થતો ડેટા. ભારત પાસે વિશ્વમાં સૌથી વધુ યુવા વસતી છે અને તેની સાથે વિશ્વનો સૌથી મોટો ડેટા જથ્થો પણ ભારત પાસે જ છે." યુવાનોના પરિવારજનો શિક્ષણ અને તૈયારીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ BA, MA કે MScના સર્ટિફિકેટ્સ આજે રોજગાર અપાવી શકતા નથી. તેમણે એક આંકડો ટાંકીને કહ્યું કે, આજે 1,000માંથી માત્ર 12 યુવાનોને જ પ્રાઇવેટ નોકરી મળી રહી છે.
રીલ્સ અને મજબૂરીનો શ્રમ: નોકરી ન મળવાના કારણે યુવાનો હતાશ થઈને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ્સ પાછળ સમય વિતાવે છે, જેને તેમણે 21મી સદીનો નશો ગણાવ્યો હતો. આ સિવાય ડિગ્રી ધારકોને બ્લિંકિટ કે ઉબેર જેવી કંપનીઓમાં 10-10 કલાક મજૂરી કરવાની નોબત આવે છે.
ડેટા વપરાશ અને ભવિષ્યનું અર્થતંત્ર
દેશમાં વધતા ડિજિટલ વપરાશનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, "આજે દરેક ભારતીય સરેરાશ દરરોજ એક ગીગાબાઇટ (1 GB) ડેટા વાપરે છે. ભવિષ્યની આર્થિક પ્રગતિ આ ડેટા અને યુવાનોના કૌશલ્ય દ્વારા જ આગળ વધશે. યુવા શક્તિ અને ડેટાનું જોડાણ જ 21મી સદીના નવ-અર્થતંત્રનું નિર્માણ કરે છે."
કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગડબડી અંગે પોતાની વ્યથા રજૂ કરી હતી. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ યુવાનોના આ અધિકારો અને રોજગારીના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતો રહેશે.

