VIDEO: 2029માં વિજય થલપતિ બનશે PM? TVKના દાવાથી ગરમાયું રાજકારણ, કોંગ્રેસે કહ્યું- રાહુલ સિવાય કોઈ નહીં
તમિલનાડુમાં (Tamil Nadu) મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (C. Joseph Vijay)ને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. તેમની પાર્ટી તમિલનાડુ વેત્રી કઝગમ (TVK)ના કેટલાક નેતાઓએ વિજયને વર્ષ 2029ની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું છે. TVK સરકારના 100 દિવસ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલી સભામાં નેતાઓએ વિજયને દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતા નેતા ગણાવ્યા હતા.
TVK નેતાઓએ વિજયને PM બનાવવાનો દાવો કર્યો
તિરુપુરમાં યોજાયેલી સભામાં TVKના વરિષ્ઠ નેતા કે.એ. સેંગોટૈયાએ વિજયની પ્રશંસા કરતા કહ્યું કે ઉત્તર ભારતના લોકો પણ હવે તેમના નેતા વિજય તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. તેમણે વિજયને તમિલનાડુ ઉપરાંત સમગ્ર ભારતનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતા નેતા ગણાવ્યા.
TVKના માનવ સંસાધન વ્યવસ્થાપન મંત્રી ડી. સરથકુમારે પણ વિજયને ભારતના આગામી વડાપ્રધાન (Next PM) ગણાવ્યા. અન્ય એક TVK ધારાસભ્યએ કહ્યું કે વિજય એક દિવસ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવીને દેશનું નેતૃત્વ કરશે.
કોંગ્રેસે કર્યો આકરો વિરોધ
TVKના આ દાવા સામે કોંગ્રેસ (Congress)એ તીખો જવાબ આપ્યો છે. તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ મણિકમ ટાગોર બી.એ કહ્યું કે TVKના નેતાઓ હજુ પણ ‘ફેન ક્લબ મોડ’માં છે. તેમણે TVKના દાવાને વાસ્તવિકતાથી દૂર ગણાવ્યો અને યાદ અપાવ્યું કે સરકાર બનાવતી વખતે વિજયે પોતે રાહુલ ગાંધી (Rahul Gandhi)નો સંપર્ક કર્યો હતો.
કાર્તિ ચિદમ્બરમે પણ આપ્યો જવાબ
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે દરેક પક્ષને પોતાના નેતા અને ભવિષ્યને લઈને સપના જોવાનો અધિકાર છે, પરંતુ દેશનું નેતૃત્વ લોકસભાના આંકડા અને બંધારણીય પ્રક્રિયા (Constitutional Process)થી નક્કી થાય છે. 543 લોકસભા બેઠકોમાંથી 272નો આંકડો જે પક્ષ અથવા ગઠબંધન પાસે હશે, તે જ સરકાર બનાવી શકશે.
કોંગ્રેસ સાંસદ પી. જોથિમણીએ સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ અને INDIA ગઠબંધન (INDIA Alliance) રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈને વડાપ્રધાન પદના ચહેરા તરીકે સ્વીકારશે નહીં. તેમણે TVKને રાષ્ટ્રીય રાજકારણની જગ્યાએ તમિલનાડુના સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી.
આ સમગ્ર વિવાદથી 2029ની લોકસભા ચૂંટણીને લઈને તમિલનાડુમાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

