2029માં ભાજપ જીતે તો કોણ હશે PM? મુખ્યમંત્રીએ આપ્યો જવાબ

વડાપ્રધાન મોદીની નાગપુર મુલાકાત બાદ તેમના અનુગામીને લઈ ચર્ચા તેજ બની છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત દ્વારા આ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે. તેમની નાગપુર મુલાકાત બાદ સતત ચર્ચાઓ ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2029 માં દેશના પ્રધાનમંત્રી તરીકે તેમનો ત્રીજો કાર્યકાળ પૂર્ણ કરશે. શું આ તેમનો છેલ્લો કાર્યકાળ હશે? આ પ્રશ્નનો જવાબ કોઈને ખબર નથી.
શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે પીએમની નાગપુર મુલાકાત પછી કહ્યું હતું કે તેઓ નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. જે બાદ આ અંગે ચર્ચા શરૂ થઈ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે સ્પષ્ટ કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી અંગેની અટકળો પાયાવિહોણી છે. મોદી ઘણા વર્ષો સુધી આ રીતે દેશનું નેતૃત્વ કરતા રહેશે.
જો પિતા જીવિત હોય તો વારસો...
રવિવારે, પીએમ બન્યા પછી પહેલી વાર, પીએમ મોદી નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા. ફડણવીસે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "2029માં પણ આપણે મોદીને ફરીથી વડા પ્રધાન તરીકે જોઈશું. તેમના અનુગામી વિશે વાત કરવાની કોઈ જરૂર નથી. તેઓ આપણા નેતા છે અને રહેશે." ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે કોઈ નેતા સક્રિય હોય છે, ત્યારે તેના ઉત્તરાધિકાર વિશે વાત કરવી યોગ્ય નથી. ફડણવીસે કટાક્ષ કરતાં કહ્યું, "આપણા સમાજમાં, જ્યારે પિતા જીવિત હોય છે, ત્યારે આપણે ઉત્તરાધિકાર વિશે વાત કરતા નથી."
સંજય રાઉતે શું કહ્યું?
બીજી તરફ, સંજય રાઉતે દાવો કર્યો હતો કે RSS દેશમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે. તેમણે કહ્યું, "મોદી કદાચ સપ્ટેમ્બરમાં નિવૃત્તિ માટે અરજી કરવા માટે RSS મુખ્યાલય ગયા હતા." રાઉત એ વાત તરફ ઈશારો કરી રહ્યા હતા કે શાસક પક્ષના કેટલાક નેતાઓ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, અને મોદી આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે. રવિવારે, પીએમ મોદીએ 11 વર્ષમાં પહેલી વાર નાગપુરમાં આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી. ત્યાં તેમણે સંઘને ભારતની અમર સંસ્કૃતિનું 'વૃક્ષ' ગણાવ્યું. આ બીજી વખત હતું જ્યારે કોઈ વર્તમાન પ્રધાનમંત્રીએ RSS મુખ્યાલયની મુલાકાત લીધી. આ પહેલા અટલ બિહારી વાજપેયી વર્ષ 2000 માં ત્યાં ગયા હતા.

