2034 સુધી રાહ નહીં જોવી પડે? 2029માં જ લાગુ થઈ શકે ‘One Nation, One Election’, કેન્દ્રની કવાયત તેજ

દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની ‘એક દેશ, એક ચૂંટણી’ (One Nation, One Election)ની ચર્ચા ફરી તેજ બની છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર 2034ની સમયમર્યાદાની રાહ જોવાને બદલે 2029થી જ સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની દિશામાં આગળ વધી રહી છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો આગામી લોકસભા ચૂંટણી સાથે જ અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.
'One Nation, One Election માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (Joint Parliamentary Committee) છેલ્લા બે વર્ષથી આ મુદ્દે ચર્ચા અને પરામર્શ કરી રહી છે. સમિતિ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી પણ અભિપ્રાય મેળવી રહી છે. અહેવાલ પ્રમાણે, સંસદના આગામી શિયાળુ સત્ર (Winter Session) દરમિયાન સમિતિ પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે.
11 રાજ્યોમાં બે વર્ષમાં ચૂંટણી
હાલ દેશના 22 રાજ્યોમાં NDAની સરકાર છે. આગામી બે વર્ષમાં 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.
જો 2029થી એકસાથે ચૂંટણી યોજવાની યોજના આગળ વધે છે, તો અલગ-અલગ રાજ્યોની વિધાનસભાઓના કાર્યકાળને એકસાથે લાવવાની જરૂર પડશે. કેટલાક રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવા પહેલાં જ તેને ભંગ (Dissolution) કરવી પડી શકે છે.
બંધારણીય ફેરફારોની જરૂર
‘એક દેશ, એક ચૂંટણી’ લાગુ કરવા માટે બંધારણીય (Constitutional) અને કાયદાકીય ફેરફારો જરૂરી બની શકે છે. આ માટે બંધારણના 129મા સુધારા બિલ, 2024 પર સંસદીય સમિતિ વિચાર કરી રહી છે. સમિતિ લોકસભા, વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકસાથે યોજવાના પ્રસ્તાવ પર દેશવ્યાપી પરામર્શ કરી રહી છે.
ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓએ પણ લોકસભા સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાના વિચારનું સમર્થન કર્યું છે. ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ આ અંગે પોતાની સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ 1 જુલાઈએ સમિતિ સાથે બેઠક કરી હતી.
જો સરકારની આ કવાયત સફળ થાય છે, તો 2029ની ચૂંટણી ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં (Election System) મોટો ફેરફાર લાવી શકે છે. જોકે અંતિમ નિર્ણય માટે સંસદીય પ્રક્રિયા અને જરૂરી બંધારણીય સુધારા પૂર્ણ થવા જરૂરી રહેશે.

