VIDEO: આંદોલન દરમિયાન બર્ગર ખાવાના વિવાદમાં ફસાયેલા વિજેતા દહિયા ફરી CJPમાં જોડાશે? અભિજીત દીપકેએ આપ્યો જવાબ
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંયોજક અભિજીત દીપકે હાલમાં પોતાના ‘સ્કૂલ ઠીક કરો’ (School Theek Karo) અભિયાનને લઈને ચર્ચામાં છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હીની સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓની સ્થિતિ સામે લાવવા માટે પાર્ટી દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દીપકેના જૂના સાથી વિજેતા દહિયાની પાર્ટીમાં ફરી વાપસી (Comeback) થશે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
BBCને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિજીત દીપકેએ વિજેતા દહિયાની વાપસી અંગે સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ નિર્ણય જાહેર કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે પાર્ટી આ મુદ્દે વિચાર કરશે. જોકે, તેમણે વિજેતા દહિયાને સારો વ્યક્તિ ગણાવ્યો હતો.
દીપકેએ કહ્યું કે આ મામલે અત્યારે કંઈપણ કહેવું યોગ્ય નહીં હોય. જોકે, આંદોલન દરમિયાન જે કંઈ થયું હતું તે થોડું અસંવેદનશીલ (Insensitive) હતું. તેમ છતાં તેમણે વિજેતા દહિયા એક સારા વ્યક્તિ હોવાનું જણાવ્યું.
બર્ગર ખાવાના કારણે થયો હતો વિવાદ
વિજેતા દહિયા શરૂઆતથી જ કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને 20 જુલાઈ સુધી પાર્ટીના વિરોધ પ્રદર્શન (Protest)માં સક્રિય રીતે ભાગ લીધો હતો. ત્યારબાદ સંસદ માર્ચ (Parliament March) દરમિયાન તેઓ એક મેટ્રો સ્ટેશન પર બર્ગર ખાતા જોવા મળ્યા હતા.
આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમની ભારે ટ્રોલિંગ (Trolling) થઈ હતી. ત્યારબાદ CJPએ વિજેતા દહિયાને પાર્ટીના પ્રવક્તા પદેથી હટાવીને પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા.
આ નિર્ણય બાદ વિજેતા દહિયાએ અભિજીત દીપકે સાથેની કેટલીક ચેટ્સ (Chats) પણ જાહેર કરી હતી. તેના કારણે બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારથી બંનેની રાજકીય રાહ અલગ થઈ ગઈ છે.
સોનમ વાંગચુકના આંદોલન પર પણ દીપકેનું નિવેદન
અભિજીત દીપકેએ સોનમ વાંગચુકની ભૂમિકા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આંદોલનને મોટું બનાવવામાં સોનમ વાંગચુકનું સૌથી મોટું યોગદાન રહ્યું છે.
દીપકેએ જણાવ્યું કે વાંગચુક વૈજ્ઞાનિક છે અને તેમને કોઈ 30 વર્ષના વ્યક્તિ દ્વારા સરળતાથી મેનિપ્યુલેટ (Manipulate) કરી શકાય તેવું માનવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે તેઓ સતત વાંગચુકને અનશન (Hunger Strike) સમાપ્ત કરવાની વિનંતી કરતા હતા, કારણ કે તેમના જીવનને જોખમમાં મૂકવા માંગતા નહોતા.
દીપકેએ એમ પણ કહ્યું કે વાંગચુકે 26 દિવસ સુધી અનશન કર્યું હતું, જે ઘણો લાંબો સમય હતો, તેથી તેમણે અનશન સમાપ્ત કર્યું તે સારું થયું.

