Video: ‘ઇન્દિરા-રાજીવના અત્યાચારો પર આંસુ કેમ ન વહાવ્યા?’ સોનિયા ગાંધીના પુસ્તક પર રવિશંકર પ્રસાદનો મોટો હુમલો!

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકને લઈને ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આકરા પ્રહારો કર્યા છે. બિહારના પટના ખાતે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાની આત્મકથા લખવાનો અધિકાર છે, પરંતુ તેમાં પ્રમાણિકતા અને સત્ય હોવું અનિવાર્ય છે.
રવિશંકર પ્રસાદે ભૂતકાળના ઐતિહાસિક બનાવો અને કોંગ્રેસ શાસન દરમિયાન થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં સોનિયા ગાંધીના મૌન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "દરેક વ્યક્તિને પોતાની આત્મકથા લખવાનો અધિકાર છે, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સંપૂર્ણ પ્રમાણિકતા સાથે લખાયેલી હોવી જોઈએ. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનકાળ દરમિયાન દેશમાં અનેક અત્યાચારો થયા—તેના પર તમે ક્યારેય આંસુ કેમ ન વહાવ્યા? તમારા પતિ રાજીવ ગાંધીએ તો શીખ હત્યાકાંડને પણ યોગ્ય ઠેરવ્યો હતો. તમે તે મામલે પણ હંમેશાં મૌન જ રહ્યા છો... પુસ્તક ચોક્કસ લખો, એમાં કોઈ વાંધો નથી, પરંતુ તે પ્રમાણિકતા સાથે લખો. સત્ય જનતા સમક્ષ આવવું જ જોઈએ."
ભાજપ સાંસદે સ્પષ્ટ કર્યું કે રાજકીય નેતાઓની આત્મકથામાં માત્ર પસંદગીની બાબતો રજૂ કરીને પોતાની છબી સુધારવાનો પ્રયાસ ન થવો જોઈએ. ઇમરજન્સી અને 1984ના રમખાણો જેવી સંવેદનશીલ ઐતિહાસિક ઘટનાઓ અંગે કોંગ્રેસ નેતૃત્વની જવાબદારી પર તેમણે ફરી એકવાર આકરા સવાલો ખડા કર્યા છે.






