VIDEO: 'શું થયું, તમે રેસ્ટોરન્ટવાળા સાથે ઝઘડો કરી રહ્યા હતા?' પીએમ મોદીએ લવલીનાને કેમ પૂછ્યો આ પ્રશ્ન?
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનારી ભારતીય બોક્સર લવલીના બોરગોહેનની પીએમ મોદીએ ખાસ પ્રશંસા કરી છે. લવલીનાએ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને મેડલ તો જીત્યો જ, પણ સાથે જ ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશો જોઈને તેની સામે વિરોધ પણ નોંધાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સથી પરત ફરેલા ભારતીય ખેલાડીઓ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પોતે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે લવલીનાનું આ પગલું સામાન્ય નહોતું, જેને દેશવાસીઓ લાંબા સમય સુધી યાદ રાખશે.
વડાપ્રધાને કર્યા મુક્તકંઠે વખાણ
મહિલાઓના 75 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતીય બોક્સિંગ ટીમ ગ્લાસગોના 'મિસ્ટર સિંહ્સ ઇન્ડિયા' (Mister Singh's India) રેસ્ટોરન્ટમાં ઉજવણી કરવા પહોંચી હતી. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ હળવા અંદાજમાં લવલીનાને પૂછ્યું, 'શું થયું, તમે રેસ્ટોરન્ટવાળા સાથે ઝઘડો કરી રહ્યા હતા?' જેના પર લવલીના હસી પડી અને આખી ઘટના જણાવી. લવલીનાએ કહ્યું કે, 'ઉજવણીના માહોલમાં પણ ભારતનો ક્ષતિગ્રસ્ત નકશો જોઈને મને દુઃખ થયું હતું, તેથી મેં શાલીનતાથી રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.' વડાપ્રધાને લવલીનાની સજાગતા અને દેશપ્રેમની પ્રશંસા કરતાં કહ્યું કે, 'જીતના જશ્ન વચ્ચે પણ દેશના નકશાનું મહત્ત્વ ઓળખવું ખૂબ જ ખાસ બાબત છે.'
નેપકિન પર ઉત્તર-પૂર્વ વિનાનો ભારતનો નકશો જોઈને લવલીનાએ વ્યક્ત કરી નારાજગી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોએ કુલ 10 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ડિનર દરમિયાન આસામની રહેવાસી લવલીનાની નજર રેસ્ટોરન્ટના નેપકિન અને બહાર લાગેલા લોગો પર પડી, જેમાં ભારતના નકશામાંથી ઉત્તર-પૂર્વ (North-East)નો ભાગ ગાયબ હતો. લવલીનાએ આક્રમક બનવાને બદલે ખૂબ જ સભ્યતાથી મેનેજમેન્ટને કહ્યું, 'કૃપા કરીને આને ખોટી રીતે ન લેશો, પરંતુ ભારતના નકશામાં અમારું ઉત્તર-પૂર્વ ગાયબ છે. ઉત્તર-પૂર્વના હોવાના નાતે અમને આ જોઈને દુઃખ થાય છે, તેથી આગળથી આ વાતનું ધ્યાન રાખશો.' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે માફી માંગી અને નકશો સુધાર્યો
લવલીનાની રજૂઆત અને ભારતીય અધિકારીઓ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા બાદ રેસ્ટોરેન્ટ મેનેજમેન્ટે આ ભૂલ બદલ જાહેરમાં માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે લોગો અને નેપકિનમાં બદલાવ કરીને ભારતનો સાચો નકશો જ ઉપયોગમાં લેવાશે. રેસ્ટોરન્ટે ભારતીય ટીમની યજમાની કરવા બદલ ગૌરવ અનુભવ્યું હતું અને ખેલાડીઓને કોમનવેલ્થ ગેમ્સમાં તેમના ભવ્ય પ્રદર્શન માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

