VIDEO: કર્ણાટકના એમગૌડાના જંગલમાં જળાશયો તળિયાઝાટક, પાણીના અભાવે 10થી વધુ વન્યજીવના મોત
કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાંથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. એમગૌડા વન વિસ્તારમાં પાણીની ભીષણ તંગીને કારણે અનેક મૂંગા પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભીષણ ગરમી અને જળાશયો સુકાઈ જવાને કારણે એમગૌડાના જંગલોમાં હાહાકાર મચ્યો છે. પીવાના પાણીના અભાવે અત્યાર સુધીમાં 5 જંગલી ભૂંડ અને 4 સસલા સહિત અન્ય અનેક વન્યજીવોના કરુણ મોત નીપજ્યા છે.
જંગલમાં કુદરતી સ્ત્રોતો સુકાઈ ગયા હોવાથી પશુઓ પાણીની શોધમાં ભટકી રહ્યા છે. સ્થાનિકોના મતે, વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના કુંડાઓની પૂરતી વ્યવસ્થા ન કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં વન્યજીવ પ્રેમીઓ દ્વારા સરકાર પાસે વહેલી તકે જંગલમાં પાણીની ટેન્કરો મોકલવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી બાકી રહેલા વન્યજીવોને બચાવી શકાય. આ ઘટનાએ પર્યાવરણ અને વન્યજીવ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

