કરૂર ભાગદોડની ઘટના બાદ વિજયની મોટી જાહેરાત; મૃતકોના પરિવારજનોને 20-20 લાખ રૂપિયા આપશે

તમિલનાડુના કરૂરમાં ભાગદોડની ઘટના બાદ તમિલગા વિત્રા કઝગમ (TVK)ના પ્રમુખ અને એક્ટર વિજયે મોટી જાહેરાત કરી છે. વિજયે કહ્યું કે આ રેલીમાં જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારોને 20-20 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે શનિવારે તમિલનાડુના કરૂરમાં ભાગદોડમાં 39 લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃતકોના પરિવારોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
વિજયની 20 લાખ રૂપિયા વળતરની જાહેરાત
વિજયે ભાગદોડમાં માર્યા ગયેલા લોકો માટે 20 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. વિજયે સોશિયલ મીડિયા પર લખ્યુ, "મારા હૃદયના નજીકના બધા લોકોને શુભેચ્છાઓ. ગઈકાલે કરુરમાં જે બન્યું તેનાથી મારું હૃદય અને મન ખૂબ જ દુઃખી છે. આ અત્યંત દુ:ખદ પરિસ્થિતિમાં, હું મારા પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરી શકતો નથી. મારી આંખો અને મન શોકથી ભરાઈ ગયા છે."
આ એક એવું નુકસાન છે જેને આપણે ભરપાઈ કરી શકતા નથી: વિજય
વિજયે કહ્યું, "મારા સંબંધીઓ, તમારા બધા પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, હું તમારી સાથે આ દુ:ખ શેર કરું છું. આ એક એવું નુકસાન છે જેને આપણે ભરપાઈ કરી શકતા નથી. ભલે આપણને કોણ સાંત્વના આપે, આપણે આપણા પ્રિયજનોનું નુકસાન સહન કરી શકતા નથી. તેમ છતાં, તમારા પરિવારના સભ્ય તરીકે, હું જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવારોને 20 લાખ રૂપિયા અને જે લોકો પીડાઈ રહ્યા છે અને જેઓ ઘાયલ છે અને સારવાર લઈ રહ્યા છે તેમને 2 લાખ રૂપિયાનું દાન આપવા માંગુ છું."
વિજયે કહ્યું, "આ નુકસાનની સરખામણીમાં આ કોઈ મોટી રકમ નથી. જોકે, આ સમયે, તમારા પરિવારના સભ્ય તરીકે, મારી ફરજ છે કે હું તમારી સાથે, મારા સંબંધીઓ સાથે, પૂરા દિલથી ઊભા રહીશ. ઉપરાંત, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલ અને સારવાર લઈ રહેલા બધા સંબંધીઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને ઘરે પાછા ફરે. હું તમને ખાતરી પણ આપું છું કે અમારા TVK સારવાર લઈ રહેલા અમારા બધા સંબંધીઓને શક્ય તેટલી મદદ કરશે."
શું છે ઘટના?
શનિવારે એક્ટરમાંથી રાજનેતા બનેલા વિજયે તમિલનાડુના કરૂરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં 10 હજાર લોકોના પહોંચવાનું અનુમાન હતું.જોકે, આ રેલીમાં 27 હજાર કરતા પણ વધારે લોકો ભેગા થયા હતા. લોકો સવારથી જ વિજયના આવવાની રાહ જોઇ રહ્યા હતા. એવામાં તે ગરમી અને ભૂખ-તરસથી પરેશાન હતા. એક્ટર વિજય સાંજે 7 વાગ્યા બાદ પહોંચ્યો હતો. વિજયના ભાષણ દરમિયાન જ લોકો બેભાન થઇને પડવા લાગ્યા હતા અને ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં 39 લોકોના મોત થયા હતા જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઇને રાજકારણ ગરમાયું હતું. રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગૃહમંત્રાલયે તમિલનાડુ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જ તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પાસેથી કરૂરમાં વિજયની રેલીમાં ભાગદોડની ઘટના બાદની સ્થિતિની જાણકારી મેળવી હતી અને આ સ્થિતિ સામે લડવા માટે દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ ઘટના પર તમિલનાડુ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે.

