VIDEO/ તામિલનાડુ CM સ્ટાલિનનો અનોખો અંદાજ: મોર્નિંગ વોક દરમિયાન કર્યો ચૂંટણી પ્રચાર
તામિલનાડુમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને DMKના દિગ્ગજ નેતા એમ.કે. સ્ટાલિને પ્રચાર માટે એક વિશેષ શૈલી અપનાવી છે. ધર્મપુરી જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાલિને કોઈ મોટા કાફલાને બદલે સામાન્ય નાગરિકની જેમ સવારે મોર્નિંગ વોક કરતા કરતા જનસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું.
કોલાથુર વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા સ્ટાલિને વહેલી સવારે રસ્તા પર ઉતરીને સ્થાનિક નાગરિકો, નાના વેપારીઓ અને સહેલાણીઓ સાથે મુલાકાત કરી હતી. આ પદયાત્રા દરમિયાન તેમણે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની પાયાની સમસ્યાઓ વિશે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીને પોતાની વચ્ચે આટલી સહજતાથી જોઈને સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જોવા મળ્યું હતું. પક્ષના પ્રચારને જમીની સ્તર સુધી લઈ જવાના સ્ટાલિનના આ પ્રયાસની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે.

