'લશ્કરની મદદ વગર પહેલગામ આતંકી હુમલો શક્ય નહતો', UNના રિપોર્ટમાં મોટો ખુલાસો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ મોટો ખુલાસો કર્યો છે.સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી બે વાર લીધી હતી, એટલું જ નહીં, તેણે ઘટનાસ્થળનો ફોટો પણ શેર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે પહેલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના શક્ય નહોતો.
પહેલગામ હુમલાની જવાબદારી TRFએ લીધી હતી
ઇસ્લામિક સ્ટેટ (IS), અલ-કાયદા અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર એનાલિટિકિલ સપોર્ટ એન્ડ સેક્શન મોનિટરિંગ ટીમના 36મા રિપોર્ટમાં 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાંચ આતંકવાદીઓએ પ્રવાસનસ્થળ પર હુમલો કર્યો હતો. TRFએ તે જ દિવસે આ હુમલાની જવાબદારી લીધી હતી અને સ્થળની તસવીર પણ શેર કરી હતી.
લશ્કરની મદદ વગર હુમલો શક્ય નહતો
રિપોર્ટમાં એક સભ્ય દેશના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, "પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વગર આ હુમલો શક્ય નહતો અને TRF અને લશ્કર વચ્ચે સબંધ છે. એક બીજા સભ્ય દેશે કહ્યું કે આ હુમલો TRF દ્વારા કરવામાં આવ્યો હતો જે લશ્કરનું જ બીજું નામ છે."જોકે, અન્ય સભ્ય દેશે આ દાવાઓને ફગાવ્યો હતો અને કહ્યું કે લશ્કર-એ-તૈયબા હવે નિષ્ક્રિય છે.
પાકિસ્તાનના દબાણ હેઠળ યુએન સુરક્ષા પરિષદે TRFનું નામ ન આપ્યું?
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રાદેશિક સંબંધો હજુ પણ નાજુક છે અને એવી આશંકા છે કે આતંકવાદી સંગઠનો આ પ્રાદેશિક તણાવનો લાભ લઈ શકે છે. અમેરિકાએ આ મહિને TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યું. પહેલગામ હુમલા પછી, 25 એપ્રિલના રોજ, યુએન સુરક્ષા પરિષદે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આવા જઘન્ય આતંકવાદી કૃત્ય માટે જવાબદાર ગુનેગારો અને પ્રાયોજકોને ન્યાયના કઠેડામાં લાવવા જરૂરી છે. જોકે, પાકિસ્તાનના દબાણ હેઠળ તે નિવેદનમાં TRFનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું.

