પહેલગામ હુમલા મુદ્દે શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું! જવાબદારી લીધી? પ્રિયંકા ગાંધીના વેધક સવાલ

ઓપરેશન સિંદૂર વિશે લોકસભામાં બોલતી વખતે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગૃહમંત્રી, ઇતિહાસની તમે વાત કરો છો. પરંતુ હું વર્તમાનની વાત કરવા માંગુ છું. તમને તો એક બહાનું જોઇએ. આખા પરિવારનું નામ ગણાવી દો છો. તમારી જવાબદારી ખુદ લો. 11 વર્ષથી સત્તામાં તો તમે છો. કાલે ગૌરવ ગોગોઇ પોતાના ભાષણમાં ગૃહમંત્રીને પૂછ્યું કે, તમારી જવાબદારી નહોતી. રાજનાથજી માથું હલાવતા હતા પણ કંઇ બોલ્યા નહોતા... ગૃહમંત્રી હસતા હતા.
મનમોહન સરકારમાં 2008ના હુમલાનો ઉલ્લેખ
જ્યારે આતંકી હુમલો ચાલતો હતો તે તમામ આતંકીઓને ઠાર માર્યા હતા અને એક બચ્યો હતો તેને ફાંસી આપી હતી. દેશના ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું. દેશના નાગરિકો પ્રત્યે એક જવાબદારી હતી. રાજનાથજી ઉરી, પઠાણકોટ સમયે ગૃહમંત્રી હતા આજે તે રક્ષા મંત્રી છે ગૃહમંત્રી અમિત શાહના નાક નીચે મણિપુર સળગી ગયું, દિલ્હી રમખાણ થયા અને આજે પણ તે આ પદ પર બેઠા કેમ છે?
ઓપરેશન સિંદૂરની ક્રેડિટ આપણા વડાપ્રધાન પોતે ઇચ્છે છે
ઓપરેશન સિંદૂર શરું થયું ત્યારે અમે બધાએ સમર્થન કર્યું. ફરી જો આવું કંઈ થશે તો દેશ માટે ઉભા રહીશું. દેશમાં હુમલો થાય ત્યારે કોઇ પણ પાર્ટીનો હોય બધા સમર્થન કરીશું. આપણી સેના પર અમને ગર્વ છે કે, આ વખતે પણ તેમને ધૈર્ય અને વીરતાથી લડાઇ લડી. આ ઓપરેશન સિંદૂરની ક્રેડિટ આપણા વડાપ્રધાન પોતે ઇચ્છે છે. ઓલિમ્પિકમાં મેડલ આવે તેનો પણ શ્રેય લે છે. માત્ર શ્રેય લેવા માટે નેતૃત્ત્વ નથી, જવાબદારી પણ લેવી પડે છે. દેશના ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું કે, યુદ્ધ થતા થતા રહી ગયું. આ રોકાવાની જાહેરાત આપણી સેના કે સરકાર નથી કરતી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ કરે છે. આ આપણા વડાપ્રધાનની ગેરજવાબદારીનું સૌથી મોટું પ્રતિક છે.
સિઝફાયર કેમ થયું? આ યુદ્ધ કેમ રોકાયું?
ગૃહમંત્રીએ કહ્યું શબ્દોમાં પાકિસ્તાન પાસે શરણમાં આવવા સિવાય કોઇ ઉપાય નહતો. તમે શરણ કેમ આપ્યું, તે તમારા દેશની અંદર આવે છે લોકોને મારી નાખે છે અને તમે શરણ આપો છો? તેનો જવાબ કેમ એકપણ ભાષણમાં નથી આપ્યો. નેહરૂએ શું કહ્યું, ઇન્દિરાએ શું કહ્યું, મારી માતાના આંસૂ સુધી જતા રહ્યાં પણ આ સવાલનો જવાબ ના આપ્યો કે સિઝફાયર કેમ થયું? આ યુદ્ધ કેમ રોકાયું? મારી માતાના આંસૂ ત્યારે પડ્યા જ્યારે તેમના પતિને આતંકીઓએ શહીદ કર્યા, જ્યારે તે 44 વર્ષના હતા. હું આ સદનમાં ઉભી છું અને 26 લોકોની વાત કરી રહી છું હું તેમનું દર્દ જાણી શકું છું.
સફળતા અને નિષ્ફળતાની જવાબદારી લેવી પડે
દેશનું નેતૃત્ત્વ ઉપલબ્ધિઓનો શ્રેય લેવાથી મજબૂત નથી થતું, સફળતા અને નિષ્ફળતાની જવાબદારી લેવાથી મજબૂત થાય છે. આ સોનાનો તાજ નથી કાંટાનો તાજ છે. જ્યારે સરકાર જૂઠી અને કાયર હોય ત્યારે બહાદુર સેનાના પ્રયાસને પણ કમજોર કરે છે. સેનાની શક્તિની સાથે સરકારનું સત્ય પણ જોઇએ. મહાન દેશભક્ત શહીદ ઇન્દિરા ગાંધીએ સફળ કૂટનીતિ હેઠળ નિક્સનનો મુકાબલો કરી પાકિસ્તાનનું વિભાજન કરી બાંગ્લાદેશ બનાવ્યું. તેમને ક્યારેય તેનો શ્રેય લેવાનો પ્રયાસ નથી કર્યો.
પાકિસ્તાનના જનરલ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે લંચ કરી રહ્યાં છે
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના જનરલ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે લંચ કરી રહ્યાં છે. ઓપરેશન સિંદૂરનો અર્થ આતંકવાદને ખતમ કરવાનો હતો તો પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ ચૂંટાવા પર તેની જવાબદારી કોણ લેશે?આ ઓપરેશનમાં યુદ્ધ વિમાનોને નુકસાન થયું નથી તો જવાબ કેમ આપતા નથી. સવાલોથી બચવા માટે આ સરકાર હંમેશા પ્રયાસ કરે છે.

