પહેલગામ હુમલાને અંજામ આપનાર ત્રણેય આતંકવાદી માર્યા ગયા, લોકસભામાં અમિત શાહે આપ્યો જવાબ

ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "પહલગામમાં નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા, તેમનો ધર્મ પૂછીને તેમના પરિવારોની સામે તેમની હત્યા કરવામાં આવી, આ હત્યાઓ ખૂબ જ બર્બરતાથી કરવામાં આવી હતી. હું આની સખત નિંદા કરું છું અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "સંયુક્ત ઓપરેશન મહાદેવ ચલાવીને ભારતીય સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, કે 'ઓપરેશન મહાદેવ હેઠળ સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સુલેમાન A શ્રેણી લશ્કર એ તૈયબાનો કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. હું સમગ્ર દેશને જણાવવા માંગુ છું કે પહલગામ હુમલામાં આપણાં નાગરિકોને જેમણે માર્યા તે ત્રણેય આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે.'
શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ એ ગ્રેડ આતંકવાદી હતાં. તેમને ઠાર કરી સેનાએ પહલગામ આતંકી હુમલાનો બદલો લીધો છે.
આ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેમની પાસેથી ત્રણ રાઈફલ્સ જપ્ત કરવામાં આવી હતી. જેમાં એક એમ-9 અને બે એકે-47 હતી. આ ત્રણેય રાઈફલ્સની કારતૂસની ખાતરી કરવામાં આવી છે. છ વૈજ્ઞાનિકોની ટીમે ખાતરી કરી છે કે, આ રાઈફલ્સમાં તે જ કારતૂસ સામેલ છે, જે પહલગામ આતંકવાદી હુમલામાં વપરાઈ હતી.
શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ એ ગ્રેડ આતંકવાદી હતાં. તેમને ઠાર કરી સેનાએ પહલગામ આતંકી હુમલાનો બદલો લીધો હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ઓપરેશન મહાદેવની શરૂઆત 22 મે, 2025ના રોજ થઈ હતી. જે દિવસે પહલગામ આતંકી હુમલો થયો હતો, તે રાત્રે હાઈલેવલની સુરક્ષા બેઠક યોજાઈ હતી. ત્યારબાદ તમામ સુરક્ષાદળોએ સાથે મળી ઓપરેશન મહાદેવ પર કામગીરી શરૂ કરી હતી.
ઓપરેશન મહાદેવની કામગીરી
1055 લોકોની 3000થી વધુ કલાક સુધી પૂછપરછ થઈ હતી. તમામ પૂછપરછ વીડિયોમાં રેકોર્ડ થઈ હતી. તેના આધારે સ્કેચ બનાવવામાં આવ્યા હતાં. 22 મેના રોજ બશીર અને પરવેઝની ઓળખ કરવામાં આવી, તેઓએ આતંકવાદીઓને સહાય પૂરી પાડી હતી. તે હાલ કસ્ટડીમાં છે. ગઈકાલે હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવમાં ત્રણેય આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતાં. તેમની રાઈફલ્સને એફએસએલ માટે મોકલવામાં આવી હતી. ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓ હતાં.

