VIDEO: મુંબઈમાં BMCની અનોખી પહેલ: જોખમી વૃક્ષોની ઓળખ માટે લગાવ્યા ચેતવણીના પોસ્ટરો
ચોમાસાની ઋતુમાં વૃક્ષો અથવા તેની ભારે ડાળીઓ તૂટી પડવાની દુર્ઘટનાઓથી નાગરિકોને બચાવવા માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બીએમસીએ શહેરના હાઈ-રિસ્ક એટલે કે અતિ જોખમી વિસ્તારોમાં એવા વૃક્ષો પર ખાસ ચેતવણી આપતા પોસ્ટરો લગાવ્યા છે, જે નબળા પડી ગયા છે અથવા ગમે ત્યારે પડી શકે તેમ છે. આ પોસ્ટરોનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સજાગ કરવાનો છે જેથી તેઓ આવા જોખમી વૃક્ષોની નીચે પોતાના વાહનો પાર્ક ન કરે અથવા ભારે પવન અને વરસાદ દરમિયાન ત્યાં ઊભા ન રહે. પાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા આવા નબળા વૃક્ષોનું સર્વેક્ષણ કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમની આસપાસ આવું કોઈ જોખમી વૃક્ષ દેખાય, તો તુરંત તેની જાણ કંટ્રોલ રૂમને કરે જેથી સંભવિત હોનારત અને જાનમાલનું નુકસાન અટકાવી શકાય.

