VIDEO: PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી: 500 દિવ્યાંગજનોનું બદલાશે નસીબ, કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે હરિયાણાના ફરીદાબાદ લોકસભા મતવિસ્તારમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ 500 દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા માટે વિનામૂલ્યે ઇલેક્ટ્રિક સ્કૂટર વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપ સાંસદ કૃષ્ણપાલ ગુર્જરે આ પહેલ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પોતાનું સમગ્ર જીવન સમાજના છેવાડાના માનવીને સશક્ત, આત્મનિર્ભર અને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સમર્પિત કર્યું છે. પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના સાથે 500 દિવ્યાંગ ભાઈ-બહેનોને ઇલેક્ટ્રિક સ્કૂટર આપીને ગતિશીલતા અને આર્થિક સ્વતંત્રતા પૂરી પાડવામાં આવશે. 'દિવ્યાંગજન' શબ્દ ખુદ વડાપ્રધાન મોદીએ આપ્યો છે અને તેઓ હંમેશાં આ વર્ગના ઉત્થાન માટે સંવેદનશીલ રહ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેમના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપ સાંસદ કૃષ્ણપાલ ગુર્જરે કહ્યું કે, આ સ્કૂટર વિતરણથી દિવ્યાંગો અન્ય લોકો પર નિર્ભર રહ્યા વિના પોતાની રોજગારી અને દૈનિક કાર્યો સરળતાથી કરી શકશે. ફરીદાબાદમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનના સેવા અને સમર્પણના વિચારને જમીની સ્તર પર સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

