VIDEO: ‘દિલ્હી લક્ષ્મી યોજના’ હેઠળ મહિલાઓને દર મહિને મળશે ₹2,500, 1 સપ્ટેમ્બરથી ખાતામાં જમા થશે નાણાં
દિલ્હી સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટો નિર્ણય લેતા ‘દિલ્હી લક્ષ્મી યોજના’ની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને દર મહિને ₹2,500ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવશે.
દિલ્હી સરકાર દ્વારા મહિલાના સશક્તિકરણ માટે 1 ઓગસ્ટથી શરૂ થયેલી આ યોજના અંતર્ગત માત્ર એક જ મહિનામાં અંદાજે 9.5 લાખ મહિલાઓએ નોંધણી કરાવી છે. જેમાં ચકાસણી પૂર્ણ થયેલા પ્રથમ 2,500 લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા છે. ઓગસ્ટ મહિનાની સહાય રકમ 1 સપ્ટેમ્બરના રોજ સીધી તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. આ એક નિરંતર ચાલતી યોજના છે, જેમાં રજીસ્ટ્રેશન કરાવવાની કોઈ આખરી તારીખ નથી. મહિલાઓ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અરજી કરી શકે છે.
દિલ્હી લક્ષ્મી યોજના અંતર્ગત અરજદાર જે મહિનામાં રજીસ્ટ્રેશન કરાવશે, તે સમગ્ર મહિનાના પૂરા ₹2,500 મેળવવા પાત્ર રહેશે (ઉદાહરણ તરીકે, જો કોઈ મહિલાએ 24 ઓગસ્ટે પણ અરજી કરી હોય, તો પણ તેને સમગ્ર ઓગસ્ટ મહિનાના પૂરા ₹2,500 મળશે). આ યોજના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે લાવવામાં આવી છે અને દિલ્હીની દરેક પાત્ર મહિલા સુધી આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવશે.

