UP ચૂંટણીમાં સીટ શેરિંગને લઈ કોકડું ગૂંચવાયું, કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને ગઠબંધનના નિયમો યાદ અપાવ્યા

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સીટ શેરિંગ મુદ્દે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચે મતભેદો સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં દાવો કર્યો છે કે, ‘કોંગ્રેસ માત્ર 150 બેઠકો માટે નહીં, પરંતુ ઓછામાં ઓછી 200 બેઠકોની હકદાર છે.’
કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને ગઠબંધનના નિયમો યાદ અપાવ્યા
રાજેન્દ્ર પાલ ગૌતમે ગઠબંધનના નિયમો યાદ અપાવતા કહ્યું કે, ‘હું શરૂઆતથી જ એક વાત કહેતો આવ્યો છું કે ગઠબંધનમાં બરાબરનું સન્માન અને બરાબરનો હિસ્સો મળવો જોઈએ. કોંગ્રેસ દેશની સૌથી જૂની અને સૌથી મોટી પાર્ટી છે. દેશની આઝાદીની લડાઈ લડવાથી લઈને દેશમાં IIT, AIIMS, IIM, બેંકો અને તમામ મોટા PSU ઊભા કરવાનું ઐતિહાસિક કામ કોંગ્રેસે કર્યું છે. તેથી સીટોની વહેંચણીમાં પણ પાર્ટીનું કદ અને તેની તાકાતનું પૂરું ધ્યાન રાખવું જોઈએ.’
ઓક્ટોબર સુધીમાં બેઠકોની વહેંચણી ઉકેલવાની જરૂરિયાત
સપા પ્રમુખ અખિલેશ યાદવે અગાઉ કહ્યું હતું કે, વાત માત્ર જીતની થવી જોઈએ સીટોની નહીં. આ નિવેદન પર પલટવાર કરતાં કોંગ્રેસ પ્રભારીએ કહ્યું કે, ‘અમે પણ જીતની જ વાત કરી રહ્યા છીએ. જ્યાં સુધી પાર્ટી ચૂંટણી નહીં લડે અને સીટો નહીં મળે, ત્યાં સુધી જીત કેવી રીતે મેળવી શકાય? ચૂંટણી લડ્યા વગર કોઈ કેવી રીતે જીતી શકે? ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું જ ગઠબંધન છે અને બંને પક્ષો એકબીજાનું સન્માન કરે છે. આ ઓક્ટોબર મહિના સુધીમાં સીટ શેરિંગનો પેચ સંપૂર્ણપણે ઉકેલાઈ જવો જોઈએ, જેથી અમારા ઉમેદવારોને પોતપોતાના ક્ષેત્રમાં કામ કરવા માટે પૂરતો સમય મળી રહે.’
‘ઝૂકવું પડે, તો પણ પાર્ટી સંપૂર્ણપણે તૈયાર’
ગઠબંધનના ભવિષ્ય અને પક્ષના વલણ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, ‘જ્યારે આત્મસન્માનની વાત આવે છે ત્યારે કોંગ્રેસ દેશના બંધારણની જેમ બિલકુલ કડક રહે છે. પરંતુ જ્યારે સીટ શેરિંગ જેવા મુદ્દાઓની વાત હોય ત્યારે પાર્ટી બંધારણની જેમ જ લવચીક વલણ અપનાવવા પણ તૈયાર છે. જીત હાંસલ કરવા માટે જો થોડું ઘણું ઝૂકવું પણ પડે, તો પાર્ટી તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.’

