VIDEO: 'વિપક્ષનો આ પોલિટિકલ સ્ટંટ હવે વાસી થઈ ચૂક્યો છે...', જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પર ભાજપ લાલઘૂમ
વિપક્ષી 'ઇન્ડિયા' ગઠબંધન દ્વારા શરૂ કરવામાં આવેલી 'સંવિધાન બચાવો યાત્રા' અને જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન સામે ભાજપે આકરા તેવર અપનાવ્યા છે. બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય સરાઓગીએ આ આંદોલનને ચૂંટણી હારની હતાશાનું પરિણામ ગણાવીને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું છે.
'હારની હતાશામાં જૂની સ્ક્રિપ્ટ પર ડ્રામા'
સંજય સરાઓગીએ પટના ખાતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "ચૂંટણી પરાજયની હતાશા બહાર કાઢવા માટે જંતર-મંતર પર જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈને એક નાટક ભજવવામાં આવી રહ્યું છે. આ વિપક્ષની એક જૂની સ્ક્રિપ્ટ છે, જેમાં નવું કંઈ જ નથી."
'રસ્તા પર ઉતરીને અરાજકતા ફેલાવવી અસ્વીકાર્ય'
ચૂંટણી સુધારાઓનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે, "SIR એ એક મહત્વપૂર્ણ ચૂંટણી સુધારો (Electoral Reform) છે. વિરોધ પક્ષ રસ્તા પર ઉતરીને ધાંધલ-ધમાલ અને હંગામો મચાવવા માંગે છે. કોઈપણ સંજોગોમાં આ પ્રકારનું વલણ ક્યારેય સ્વીકારી શકાય નહીં."
બંધારણીય સંસ્થાઓને બદનામ કરનારા સામે કાયદો કાર્યવાહી કરશે
વિપક્ષને ખુલ્લી ચેતવણી આપતાં સંજય સરાઓગીએ કહ્યું કે, "જે લોકો બંધારણીય સંસ્થાઓ પર ખોટા આક્ષેપો લગાવવાનો અને ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો જ પડશે. વિપક્ષનો આ રાજકીય સ્ટંટ હવે સાવ વાસી થઈ ચૂક્યો છે અને જનતા બધું જ સમજી રહી છે."

