'આ હેર કટ નહીં પણ આખેઆખું મુંડન છે', સુભાષ ચંદ્રાના દેવા માફી મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ
Subhash Chandra’s ₹22,006 Crore Settlement: બેંકોનું અ

Subhash Chandra’s ₹22,006 Crore Settlement: બેંકોનું અબજો રૂપિયાનું દેવું કરીને બેઠેલા અબજોપતિઓ માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) જાણે 'સુપર સેલ' કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. દેશના મીડિયા મોગલ તરીકે જાણીતા બિઝનેસમેન સુભાષ ચંદ્રાને રૂ. 22,006.57 કરોડના દેવા સામે માત્ર રૂ. 6.5 કરોડ ચૂકવવાની NCLT એ મંજૂરી આપી દીધી છે. એટલે હવે બેંકો અને લેણદારોને પૂરેપૂરા 99.97% નો 'હેર કટ' સહન કરવો પડશે. આ નિર્ણય બાદ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. બીજી તરફ, એક સમયે કંઈક આવી જ મુશ્કેલીમાં ફસાયેલા વિજય માલ્યાએ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા છે. જો સામાન્ય માણસ હોમ લોનનો એક હપ્તો ચૂકી જાય, તો બેંકના માણસો કાર કે ઘર જપ્ત કરવા પહોંચી જાય છે, ત્યાં રૂ. 22,000 કરોડથી વધુનું દેવું ધરાવતા અબજોપતિ માત્ર રૂ. 6.5 કરોડ આપીને મુક્ત થઈ ગયા, જે ભારતની સિસ્ટમ પર મોટો સવાલ ઊભો કરે છે.
જાણો સમગ્ર કેસ અને વિવાદનું મૂળ
સુભાષ ચંદ્રા સામેની આ પર્સનલ ઇન્સોલ્વન્સી (અંગત નાદારી) પ્રોસીડિંગ્સ મુખ્યત્વે તેમણે આપેલી પર્સનલ ગેરંટીમાંથી ઊભી થઈ હતી. એસલ (Essel Group) ગ્રૂપની વિવિધ કંપનીઓ દ્વારા લેવાયેલી કરોડો રૂપિયાની લોન ડિફોલ્ટ થતાં ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (હવે સાધના/સન્માન કેપિટલ) અને અન્ય બેંકોએ સુભાષ ચંદ્રા સામે કાર્યવાહી કરી હતી. લેણદારો સામે રૂ. 22,006.57 કરોડના દાવા દાખલ થયા હતા. આ દરમિયાન સુભાષ ચંદ્રાએ પોતાની અંગત સંપત્તિ મર્યાદિત દર્શાવીને માત્ર રૂ. 6.5 કરોડના ચુકવણાનો પ્લાન આપ્યો હતો. 2017-18માં તેમની સંપત્તિ રૂ. 40,000 કરોડથી વધુ દર્શાવાઈ હોવા છતાં આ નજીવી રકમનો પ્લાન મંજૂર થતાં મોટો વિવાદ સર્જાયો છે.
આ હેર કટ નહીં પણ આખેઆખું મુંડન છે: કોંગ્રેસના પ્રહાર
આ અહેવાલો બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે X પર કટાક્ષ કરતા લખ્યું હતું કે, ‘ફાઇનાન્સની ભાષામાં જ્યારે દેવાદાર મૂળ રકમમાંથી થોડી જ રકમ પાછી આપે તો તેને 'હેર કટ' કહેવાય, પરંતુ રૂ. 22,006 કરોડની સામે માત્ર રૂ. 6.5 કરોડ આપવા, તે હેર કટ નથી. આ તો પૂરેપૂરું 'મુંડન' કરી નાખ્યું કહેવાય! આવા નિર્ણયો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC), 2016 ની ખુલ્લેઆમ મજાક ઉડાવવા બરાબર છે.’
વાહ! મારી પાસે તો રૂ. 6,203 કરોડ સામે રૂ. 14,100 કરોડ વસૂલ્યાઃ માલ્યા
બીજી તરફ, કંઈક આવા જ કેસમાં લંડન ભાગી ગયેલા વિજય માલ્યાએ એક્સ પર આ સમાચાર કરીને સુભાષ ચંદ્રાને અભિનંદન પાઠવ્યા છે. માલ્યાએ ભડાશ કાઢતા લખ્યું છે કે, ‘જો આ સાચું હોય તો મારા દોસ્ત સુભાષને ખૂબ ખૂબ અભિનંદન. સરકારે તો મારી પાસે રૂ. 6,203 કરોડના કોર્ટના ચુકાદા સામે રૂ. 14,100 કરોડ વસૂલ કર્યા છે. અહીં દેવાદારો નજીવી રકમ આપીને છૂટી જાય છે! ઈન્ડિયન ડેબ્ટ રિઝોલ્યુશન સિસ્ટમ ખરેખર અદ્ભુત છે.’
રૂ. 1,322 કરોડ સામે મળ્યા માત્ર રૂ. 38 lakh!
NCLTના આદેશ અનુસાર, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) જેવા મોટા લેણદારોએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે. LICHFL ના રૂ. 1,322.39 કરોડ બાકી હતા, જેની સામે સુભાષ ચંદ્રા તરફથી માત્ર રૂ. 38,09,294 (આશરે 0.028%) ની ઓફર કરાઈ હતી. કંપનીની દલીલ હતી કે આટલી હાસ્યાસ્પદ રકમ મંજૂર ન થઈ શકે. બીજી તરફ, NCLT નું કહેવું છે કે, વિરોધ કરનારા લેણદારો પાસે 20% થી પણ ઓછો વૉટિંગ શેર હતો, જ્યારે 80.81% વૉટિંગ શેર ધરાવતા લેણદારોએ આ પ્લાન મંજૂર કરી દીધો હતો.
નાદાર થાય તેના કરતાં આટલુંય મળે તે સારુંઃ કોર્ટનો તર્ક
NCLT ના જજ નિલેશ શર્માએ 144 પાનાના આદેશમાં જણાવ્યું છે કે ‘સુભાષ ચંદ્રાની અંગત સંપત્તિ આ પ્રસ્તાવિત રકમ કરતાં પણ ઓછી છે. જો આ પ્લાન ફગાવી દેવાય તો તેઓ સંપૂર્ણ નાદાર જાહેર થશે અને લેણદારોને એક રૂપિયો પણ નહીં મળે. તેથી જો દેવાદારોને પગભર થવાનો મોકો મળે, તો ભવિષ્યમાં તેઓ પાસેથી બેંકો પોતાના પૈસા પાછા મેળવી શકશે.’








