VIDEO: "આ લોકશાહીની હત્યા અને બંધારણનું ઉલ્લંઘન છે!" રાજા વડિંગનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ
દિલ્હીમાં ચૂંટણી પંચ (ECI) સામે વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકના સાંસદો દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને લુધિયાણાના સાંસદ અમરિન્દર સિંહ રાજા વડિંગે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સમગ્ર ઘટનાક્રમને લોકશાહીનું ગળું ઘોંટવા સમાન ગણાવ્યું હતું.
બંધારણનું ઉલ્લંઘન અને લોકશાહીની હત્યાનો આરોપ
નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં અમરિન્દર સિંહ રાજા વડિંગે જણાવ્યું હતું કે, "હું આ સમગ્ર બાબતને ઘોર અન્યાય, ભારતીય બંધારણનું ઉલ્લંઘન અને લોકશાહીની હત્યા માનું છું. રાહુલ ગાંધી આ મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. આજે સમગ્ર દેશ એ જાણવા માંગે છે કે ચૂંટણી પંચ શું કરી રહ્યું છે અને તે કેવી રીતે શાસક પક્ષ ભાજપને મદદ પહોંચાડી રહ્યું છે."
'રાહુલ ગાંધી પાસે મત ચોરીના પુરાવા છે'
કોંગ્રેસ સાંસદે દાવો કર્યો હતો કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પુરાવા સાથે રજૂઆત કરી છે કે કઈ રીતે મતોની ચોરી કરવામાં આવી રહી છે અને મતદાર યાદીઓમાં ગેરરીતિ થઈ રહી છે. તેમણે આકરો સવાલ ઉઠાવ્યો કે, "જો ચૂંટણી પંચ સાચું અને નિષ્પક્ષ હોય, તો પછી રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદોને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને કેમ મળવા દેવામાં આવતા નથી? અમને અંદર જવા દેવામાં આવે અને તેમની સાથે સીધી વાતચીત કરવા દેવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે."
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ
પોતાના નિવેદનમાં રાજા વડિંગે મુખ્ય ચૂંટણી કમિશનર સામે સખત વલણ અપનાવતા કહ્યું કે, એક સ્વાયત્ત સંસ્થાના વડા તરીકે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી બરતરફ (Dismiss) કરવા જોઈએ.
દિલ્હીમાં વિપક્ષી સાંસદોની અટકાયત અને ચૂંટણી પંચની કચેરી તરફ આગળ વધતાં રોકવાની ઘટના બાદ વિપક્ષી નેતાઓનો આક્રોશ સતત વધી રહ્યો છે અને સંસદથી લઈને રસ્તા સુધી આ મુદ્દે ભારે ઘમાસાણ મચી ગયું છે.

