VIDEO: જનભાગીદારી જ છે લોકશાહીની સાચી તાકાત! સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો મોટો સંદેશ
દેશના 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ભારતીય બંધારણ, જનભાગીદારી અને લોકશાહી મૂલ્યો પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતના લોકો દ્વારા ઘડાયેલું બંધારણ સંપૂર્ણપણે જનભાગીદારીના પાયા પર ટકેલું છે અને દેશમાં ચાલતા રાષ્ટ્રીય અભિયાનો લોકોના સક્રિય સહયોગથી જ સફળ થઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારતના લોકો દ્વારા નિર્મિત બંધારણ જનભાગીદારીના પાયા પર આધારિત છે. આપણો દેશ લોકશાહીનું પારણું છે, જ્યાં લોકોમાં જનભાગીદારીની ભાવના હંમેશાં સહજ રીતે વણાયેલી રહી છે. આજે દેશમાં રાષ્ટ્રીય અભિયાનો નાગરિકોની સક્રિય ભાગીદારી દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે, જે આપણી લોકશાહીની એક પ્રેરણાદાયી સિદ્ધિ છે. દરજ્જો અને તકની સમાનતા તેમજ વ્યક્તિની ગરિમા એ આપણા બંધારણના સર્વોચ્ચ આદર્શો છે."
કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રની જવાબદારીઓ
રાષ્ટ્રપતિએ બંધારણીય સંસ્થાઓની ભૂમિકાને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે બંધારણમાં લોકશાહીના ત્રણેય સ્તંભોના કાર્યો સ્પષ્ટ રીતે નિર્ધારિત કરાયા છે. ધારાસભામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની એ પવિત્ર ફરજ છે કે તેઓ સામાન્ય જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપે. દેશ અને જનતાના સર્વોચ્ચ હિતમાં રચાયેલી નીતિઓનું યોગ્ય, પારદર્શક અને અસરકારક અમલીકરણ કરવાની મુખ્ય જવાબદારી કારોબારીની છે. ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિની એ નૈતિક ફરજ છે કે સાધનો કે આર્થિક સંસાધનોના અભાવે દેશનો કોઈ પણ નાગરિક ન્યાયથી વંચિત ન રહી જાય.
2047 સુધીમાં 'વિકસિત ભારત'નો સંકલ્પ
રાષ્ટ્રપતિએ અંતમાં આહ્વાન કર્યું હતું કે બંધારણીય આદર્શો, સમાનતા અને ન્યાયના મૂલ્યોને આત્મસાત કરીને દેશ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યો છે.

