વેકેશનની મજા માણવા કર્ણાટક ગયા, પણ બની અંતિમ સફર! બોટ પલટતાં સુરતના દંપતીનું મોત, બે સંતાનોનો બચાવ

વેકેશનની મજા માણવા કર્ણાટક ગયા, પણ બની અંતિમ સફર! બોટ પલટતાં સુરતના દંપતીનું મોત, બે સંતાનોનો બચાવ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

વેકેશનની મજા માણવા માટે કર્ણાટકના પ્રવાસે ગયેલા સુરતના એક પરિવાર માટે આ પ્રવાસ જીવનભરનો ક્યારેય ન ભૂલાય તેવો આઘાત બની ગયો છે. કર્ણાટકના કોડાગુ જિલ્લાના કુશલનગર નજીક આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં સુરતના દંપતીનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. જોકે, આ ગોઝારી દુર્ઘટનામાં તેમની સાથે રહેલા બે સંતાનોનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે.

હાઈસ્પીડ વળાંક લેતી વખતે બોટે સંતુલન ગુમાવ્યું

જાહેરાત

મળતી માહિતી પ્રમાણે, મૂળ ગુજરાતના વતની એવા 50 વર્ષીય ધર્મેશભાઈ અને તેમના 48 વર્ષીય પત્ની નિમ્મીબેન પોતાના બે સંતાનો સાથે રજાઓ ગાળવા માટે કર્ણાટકના કોડાગુ ખાતે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન આખો પરિવાર કુશલનગર નજીક હરંગી બેકવોટર્સ ખાતે 'એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ' દ્વારા સંચાલિત બોટમાં સવાર થઈને બોટિંગની મજા માણી રહ્યો હતો. આ દરમિયાન બોટ પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને અચાનક એક તીવ્ર વળાંક લેતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોટ પલટી ખાઈ ગઈ હતી. બોટ પલટતા જ પરિવારના ચારેય સભ્યો ઊંડા પાણીમાં ખાબક્યા હતા.

લાઈફ જેકેટ પહેર્યા હતા, છતાં બોટ નીચે ફસાઈ જતાં દંપતીનું મોત

આ ઘટનાની સૌથી કરૂણ બાબત એ રહી કે બોટિંગ કરતી વખતે પરિવારના ચારેય સભ્યોએ સુરક્ષાના ભાગરૂપે લાઈફ જેકેટ પહેર્યા હતા. બોટ પલટી જતાં જ આસપાસ હાજર સ્થાનિક લોકો અને વોટર સ્પોર્ટ્સનો સ્ટાફ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો. પાણીમાં તરતા બંને બાળકોને બચાવ ટુકડીએ સુરક્ષિત રીતે બહાર કાઢી કિનારે પહોંચાડ્યા હતા. પરંતુ, કમનસીબે ધર્મેશભાઈ અને નિમ્મીબેન પલટી ગયેલી બોટની બરાબર નીચે ફસાઈ ગયા હતા. લાઈફ જેકેટ પહેર્યું હોવા છતાં બોટના વજન અને નીચે ફસાઈ જવાના કારણે તેઓ પાણીની સપાટી પર આવી શક્યા ન હતા પાણીમાં ડૂબી જવાથી બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પોલીસ અને ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

નજર સામે જ માતા-પિતાને ગુમાવનાર બંને માસૂમ સંતાનો આઘાતમાં સરી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ભારે જહેમત બાદ પાણીમાંથી દંપતીના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કુશલનગર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના મોર્ચરી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો કુશલનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને બોટ સંચાલકોની બેદરકારી સહિતની દિશામાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પરિવાર પર આવી પડેલી આ આફતથી તેમના વતનમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત