VIDEO: 'પોલીસ ભાજપના કાર્યકર જેવી બની ગઈ છે!' સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ટાંકીને યોગી સરકાર પર અખિલેશ યાદવના પ્રહાર
ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા અને પોલીસની ભૂમિકાને લઈને સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે લખનૌ ખાતે રાજ્ય સરકાર પર તીખો હુમલો કર્યો છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં પોલીસ તંત્ર હવે નિષ્પક્ષ રહ્યું નથી અને ભાજપના કાર્યકરોની જેમ વર્તી રહ્યું છે.
અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, પોલીસની વિશ્વસનીયતા પર માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ ઉચ્ચ ન્યાયતંત્ર પણ સવાલો ઉઠાવી ચૂક્યું છે. અદાલતોના અવલોકનો દર્શાવે છે કે રાજ્યમાં લોકશાહી ઢાંચો અને કાયદાનું શાસન કેટલું કથળી ગયું છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સામાન્ય જનતાએ સમયાંતરે એ સ્પષ્ટ કર્યું છે કે હાલની પોલીસ વ્યવસ્થા પર ભરોસો કરી શકાય તેમ નથી.
ભાજપના કાર્યકર જેવું વલણ, સત્તા પરિવર્તન જ ઉકેલ
અખિલેશ યાદવે ગંભીર આક્ષેપ કર્યો કે પોલીસ દળ બંધારણ મુજબ કામ કરવાને બદલે શાસક પક્ષના કાર્યકરોની ભૂમિકા ભજવી રહ્યું છે, અને આ જ કારણસર સર્વોચ્ચ અદાલતે આકરી ટિપ્પણી કરવી પડી છે. રાજ્યમાં પ્રવર્તતા આ સંકટમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભાજપને સત્તા પરથી હટાવવાને એકમાત્ર માર્ગ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ સંકટ ત્યારે જ ટળશે જ્યારે ભાજપ સત્તા પરથી જશે; જો ભાજપ જશે તો જ રાજ્યનું સંકટ દૂર થશે."

