VIDEO: સરકાર દેશને વેચી રહી છે! ISROનું ખાનગીકરણ
ઇસરો રોકેટ કે સેટેલાઇટ લોન્ચર્સ નહીં બનાવે અને આ કામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. જોકે ખાનગીકરણને લઇને ઇસરોમાં વિરોધ શરૃ થઇ ગયો છે. ઇસરોના કર્મચારીઓએ ઇસરોના અધ્યક્ષ વી. નારાયણનને પત્ર લખ્યો છે અને ખાનગીકરણ મુદ્દે સ્પષ્ટતા માગી છે. સાથે જ વર્તમાન કર્મચારીઓનું શું થશે તેને લઇને પણ સવાલો ઉભા કર્યા છે. ઇસરોના દેશભરના કર્મચારીઓના આશરે નવ જેટલા સંગઠનોએ આ પત્ર લખ્યો છે. સંગઠનોએ કહ્યું છે કે ઇસરોના ખાનગીકરણનો નિર્ણય કર્મચારીઓને અંધારામાં રાખીને ના લઇ શકાય.
કર્મચારીઓના નવ જેટલા સંગઠનોએ ઇસરોના અધ્યક્ષને પત્ર લખ્યો
ઇસરોના જેટલા પણ સેન્ટરો છે ત્યાંના કર્મચારીઓના નવ જેટલા સંગઠનોએ ઇસરોના અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમાં ઇસરોનું ખાનગીકરણ કરવા મુદ્દે આકરા સવાલો પણ પૂછ્યા છે. કર્મચારીઓને સૌથી મોટો ડર પોતાના અને ઇસરોના ભવિષ્યનો છે. કર્મચારીઓએ કહ્યું છે રોકેટ અને સેટેલાઇટ તૈયાર કરવાનું કામ કોન્ટ્રાક્ટ કે એસેંબલીનું નથી. રોકેટ અને સેટેલાઇટ બનાવવા તે ઇસરોની સાચી ઓળખ પણ છે. ઇસરોમાં ખાનગીકરણ કરવામાં આવે તો તેના માટે પણ ચર્ચા થવી જોઇએ પછી જ આ નિર્ણય લેવામાં આવે. ઇસરો માત્ર એક આરએન્ડડી બુટીક એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ સુધી મર્યાદિત બનાવી દેવાશે અને લોન્ચ વાહનોનું નિર્માણ અને સંચાલન ખાનગી હાથોની બહાર જતું રહેશે.
અનેક વૈજ્ઞાનિકોના બલિદાનને ભુલીને ઇસરોનો ભોગ લેવાશે?
દેશને આઝાદ કરાવવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા હતા એવી જ રીતે દેશને અંતરીક્ષ ક્ષેત્રે આગળ લઇ જવા અને ઇસરો જેવી સંસ્થા સ્થાપવા માટે પણ અનેક વૈજ્ઞાનિકોએ પોતાનું જીવન અર્પણ કર્યું હતું. ભારતના સ્પેસ પ્રોગ્રામમાં ડો. હોમી જે ભાભાએ મોટું યોગદાન આપ્યું, બાદમાં વિક્રમ સારાભાઇ દ્વારા ઇસરોની સ્થાપના કરાઇ. ડોક્ટર એ.પી.જે અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકોએ મિસાઇલો બનાવી અને દેશને અંતરીક્ષની ઉંચાઇ પર પહોંચાડયો. અનેક વૈજ્ઞાનિકોએ ઇસરોને ટોચના સ્થાને લઇ જવા માટે જીવન અર્પણ કરી દીધુ જ્યારે વર્તમાન મોદી સરકાર વૈજ્ઞાનિકોના આ બલીદાનને ભુલીને ઇસરોમાં ખાનગીકરણ ઘૂસાડવા જઇ રહી છે. આ પહેલા સરકાર દેશના નફાકારક કોર્પોરેશનને વેચીને ખાનગી ઉદ્યોગપતિને મફતના ભાવમાં નફાકારક ધંધાઓ વેચી રહી છે.
કર્મચારીઓએ કહ્યું છે કે ઇસરો દ્વારા વિકસિત ટેક્નોલોજી રાષ્ટ્રીય સંપત્તિ ગણાય, જો તેને ખાનગી હાથોમાં સોંપવામાં આવે તો તેમાં પારદર્શીતા, જવાબદારી, રણનીતિક સુરક્ષા અને રોજગારીના હિતોને ધ્યાનમાં રાખવા જોઇએ. ઇસરોના જે પણ સંગઠનો દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઇસરો સ્ટાફ એસોસિએશન, શાર એમ્પ્લોઇઝ એસોસિએશન (શ્રીહરિકોટા), ઇસૈક એમ્પ્લોઇઝ એસોસિએશન (બેંગલુરુ), ઇસરો સ્ટાફ એસોસિએશન (તિરુવનંતપુરમ), ઇસરો સ્ટાફ એસોસિએશન, સૈક એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન (અમદાવાદ) સહિત કુલ નવ સંગઠનોનો સમાવેશ થાય છે. ઇન-સ્પેસના ચેરમેન પવન કુમાર ગોયનકાએ તાજેતરમાં જ ઇસરોમાં ખાનગીકરણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇસરો હવે માત્ર રિસર્ચનું કામ કરશે જ્યારે રોકેટ, સેટેલાઇટ, લોન્ચર્સ તૈયાર કરવાનું કામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. પવન કુમારના આ નિવેદન બાદથી ઇસરોના કર્મચારીઓમાં અસુરક્ષાનો માહોલ છે. કર્મચારીઓને હવે ઇસરો તેમજ સરકાર પાસેથી સમગ્ર મામલે સ્પષ્ટતાની માગણી કરી છે. કર્મચારીઓએ પૂછ્યું છે કે શું ખરેખર ઇસરોનું ખાનગીકરણ થવાનું છે? વર્તમાન કર્મચારીઓ કે જેઓ ઇસરોમાં રોકેટ, સેટેલાઇટ, લોન્ચર્સ તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે તેમના ભવિષ્યનું શું? તેઓ માત્ર રિસર્ચનું જ કામ કરશે?
પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એસએસએલવીને ખાનગી કંપનીઓને સોંપવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે. હવે પીએસએલવી અને એલવીએમ૩ જેવા મુખ્ય અને વિશાળ રોકેટોનું પ્રોડક્શન પણ ખાનગી હાથોમાં સોંપવાની તૈયારી છે. ૧૨૦ જેટલી ટેક્નોલોજી પહેલા જ ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવી છે. તમિલનાડુના નવા સ્પેસ લોન્ચ કોમ્પ્લેક્સ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ખાનગી કંપનીઓને સોંપવામાં આવી રહ્યા છે.

