VIDEO: "ભાજપના પતનની શરૂઆત થઈ ચૂકી છે!" CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષનો સરકાર સામે જોરદાર મોરચો!
ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદી સુધારણા ઝુંબેશ સામે વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોકનું આંદોલન વધુ તેજ બન્યું છે. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહે કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચ (ECI) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં બંધારણીય મૂલ્યોનું હનન થઈ રહ્યું છે અને હવે ભાજપના રાજકીય પતનની શરૂઆત થઈ ગઈ છે.
સરકાર અને ચૂંટણી પંચ બંને નિષ્ફળ: કોંગ્રેસ સાંસદ
પ્રદર્શન સ્થળે મીડિયા સાથે વાતચીત કરતાં ઉજ્જવલ રમણ સિંહે જણાવ્યું હતું કે, "આ સરકાર પોતે યોગ્ય રીતે કામ કરી રહી નથી અને ચૂંટણી પંચ પણ નિષ્ફળ સાબિત થયું છે. દેશની જનતા સ્પષ્ટપણે કહી રહી છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે (CEC) તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. દેશમાં શું ચાલી રહ્યું છે? તમે મતદારોના નામ યાદીમાંથી કાઢી રહ્યા છો, વિરોધ કરનારાઓ સામે FIR નોંધી રહ્યા છો અને ખુલ્લેઆમ બંધારણના લીરેલીરા ઉડાવી રહ્યા છો."
તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલોને કારણે હવે દેશના લોકો લોકશાહી વ્યવસ્થા પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
જનતા રસ્તા પર, EVM હટાવવાની માંગ
કેન્દ્ર સરકારને ઘેરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે, "જનતા હવે પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરી આવી છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપના પતનની શરૂઆત થઈ ચૂકી છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, મતદાર યાદીની SIR પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રોકવી જોઈએ અને EVM ને બદલે ફરીથી બેલેટ પેપર દ્વારા મતદાનની વ્યવસ્થા દાખલ કરવી જોઈએ."
દિલ્હીમાં વિપક્ષી સાંસદો દ્વારા સંસદથી લઈને શેરીઓ સુધી કરવામાં આવી રહેલા આ આક્રમક દેખાવોને પગલે રાજધાનીમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે અને ચૂંટણી પંચની ભૂમિકાને લઈને રાજકીય ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું છે.

