Delhi Pollution: દેશની રાજધાની દિલ્હી ગૅસ ચેમ્બર બની; AQI 'ગંભીર' સ્થિતિએ પહોચ્યું

Delhi Pollution: દેશની રાજધાની ગણાતી દિલ્હીની હવા ફરી ખતરનાક સ્તરે પહોંચી છે. રવિવારે આ સિઝનની સૌથી ખરાબ વાયુ ગુણવત્તા ઈંડેક્સ 461 નોંધાયું છે. જે એક દિવસ પહેલા 432 હતું. દેશની કેન્દ્રીય પ્રદૂષણ નિંયંત્રણ બોર્ડ અનુસાર રાજધાનીની હવા સતત ગંભીર વર્ગમાં યથાવત્ છે. જેનાથી સામાન્ય જનતાના આરોગ્ય પર ખતરો વધુ બન્યો છે.
CPCB ધોરણો અનુસાર, શૂન્ય થી 50 સુધીનો AQI "સારો", 51 થી 100 "સંતોષકારક", 101 થી 200 "મધ્યમ", 201થી 300 "ખરાબ", 301થી 400 "ખૂબ જ ખરાબ" અને 401થી 500 "ગંભીર" માનવામાં આવે છે. વર્તમાન સ્તરે, દિલ્હીની હવા શ્વાસ લેવા માટે અત્યંત જોખમી બની ગઈ છે.
વધતી જતી પ્રદૂષણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ શનિવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના સૌથી કડક તબક્કા 4 લાગુ કર્યા. આ અંતર્ગત, દિલ્હી-NCR માં તમામ બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ શનિવારે, સમગ્ર NCR માં GRAPનો તબક્કો 3 લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે, પ્રદૂષણનું સ્તર વધુ વધ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 0.4 ડિગ્રી ઓછું હતું, જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ હતું. સાંજે 5:30 વાગ્યાની આસપાસ ભેજનું સ્તર 87 ટકા નોંધાયું હતું, જેના કારણે વાતાવરણમાં પ્રદૂષકો ટકી રહ્યા.
મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં હવા પ્રદૂષણને ખરેખર કાબૂમાં લેવા માટે લાંબા ગાળાના અને નક્કર નીતિગત નિર્ણયો જરૂરી છે. દિલ્હીમાં ચાલી રહેલા મોટાપાયે બાંધકામ વધુ જવાબદાર છે. સરકારી એજન્સીઓમાં સંસાધનો અને સ્ટાફના અભાવ હોવાનું પણ આ પરિસ્થિતિ કથળવા પાછળ મોટું કારણ છે.
હવામાન વિભાગે સોમવારે મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી હવામાન બદલાશે નહીં, ત્યાં સુધી દિલ્હી-એનસીઆરને પ્રદૂષણથી રાહતનો સામનો કરવો પડશે.

