Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Terrorism has no religion, calls for strict action against state sponsored terrorism

આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી', સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ સામે રાજનાથ સિંહની કડક કાર્યવાહીની હાકલ

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી', સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ સામે રાજનાથ સિંહની કડક કાર્યવાહીની હાકલ
સોર્સ : GSTV

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આજના સંઘર્ષમય સમયમાં આ સંગઠનની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર ઐતિહાસિક વેપારી માર્ગો અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હાલમાં વધતા જતાં એકતરફીવાદ-વિવાદોને કારણે વૈશ્વિક સહમતી નબળી પડી રહી છે. તાજેતરના વર્ષોમાં સતત ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષોથી જાન-માલનું ભારે નુકસાન થયું છે, જે રક્ષા અને સુરક્ષા તંત્ર માટે આત્મમંથનનો વિષય છે.

App Store

આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી: સંરક્ષણ મંત્રી

આતંકવાદ પર આકરા પ્રહારો કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરપંથ આજે સૌથી મોટું વૈશ્વિક સંકટ બની ગયું છે. તેમણે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આવી ઘટનાઓ સાબિત કરે છે કે આતંકવાદ માટે કોઈ તર્ક કે બહાનું હોઈ શકે નહીં. રાજનાથ સિંહે આ તબક્કે 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરીને ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદનો કોઈ ધર્મ કે દેશ હોતો નથી અને સ્ટેટ-સ્પોન્સર કે ક્રોસ-બોર્ડર આતંકવાદ સામે બેવડા ધોરણો રાખ્યા વગર કડક કાર્યવાહી થવી જરૂરી છે.

આતંકવાદ સામે સંયુક્ત મોરચો બનાવવા ભારતની હાકલ

રાજનાથ સિંહે SCOની બેઠકમાં આતંકવાદ, કટ્ટરપંથ અને અલગતાવાદ સામે લડવા માટે રિજનલ એન્ટી-ટેરર સ્ટ્રક્ચર (RATS)ની ભૂમિકાને ખૂબ જ મહત્ત્વની ગણાવી હતી. તેમણે વિશ્વના દેશોને આ જોખમો સામે એક થઈને સંયુક્ત મોરચો બનાવવા હાકલ કરી હતી. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત માત્ર કોઈ નવા વૈશ્વિક ક્રમ એટલે કે 'ન્યૂ વર્લ્ડ ઓર્ડર'માં જ નહીં, પરંતુ એક એવી દુનિયા બનાવવામાં માને છે જે 'વધારે વ્યવસ્થિત' હોય. તેમણે સ્પષ્ટ કર્યું કે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માત્ર પરસ્પર સંવાદ અને રાજદ્વારી પ્રયાસોથી જ લાવી શકાય છે, યુદ્ધ કે હિંસાથી નહીં. અંતમાં તેમણે 'વસુધૈવ કુટુંબકમ' એટલે કે આખી દુનિયા એક પરિવાર છે તેવા ભારતીય સંસ્કારને વિશ્વ શાંતિ માટેનો મુખ્ય પાયો ગણાવ્યો હતો.