VIDEO: સૂર્યાપેટમાં ભયાનક અકસ્માત: લોખંડની સળિયાથી ભરેલા કન્ટેનરમાં ઘૂસી બસ, 5નાં મોત
તેલંગાણાના સૂર્યાપેટ (Suryapet) જિલ્લામાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. દ્વારાકુંટા નજીક કોડાડ મંડલ વિસ્તારમાં હૈદરાબાદથી એલુરુ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ બસ પાછળથી લોખંડની સળિયાઓ (Iron Rods) ભરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કન્ટેનરમાં ભરેલી લોખંડની સળિયાઓ બસને ચીરીને અંદર સુધી ઘૂસી ગઈ હતી.
5 લોકોનાં મોત
આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આશરે 20 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અનેક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે ફસાયેલા મુસાફરોની ચીસોથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) અને રેસ્ક્યૂ ટીમ (Rescue Team) તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બચાવકર્મીઓએ એક કલાકથી વધુ સમય સુધી સતત કામગીરી કરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતના કારણે હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે (National Highway) પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર અકસ્માતગ્રસ્ત બસ અને કન્ટેનર પડેલા હોવાથી વાહનોની અવરજવર ભારે પ્રભાવિત થઈ હતી. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી બંને વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ હતી. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ (Investigation) હાથ ધરવામાં આવી છે. ઘટનાએ ફરી એકવાર હાઈવે પર ભારે વાહનોની સુરક્ષા અને મુસાફરોની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

