VIDEO: નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સની ગાડી પર શંકાસ્પદ IED બ્લાસ્ટ: 1 જવાન શહીદ, 4 ઘાયલ
નાગાલેન્ડમાં સુખોવી નજીક આસામ રાઇફલ્સની એક ગાડીને નિશાન બનાવીને શંકાસ્પદ IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ કાયરતાપૂર્ણ હુમલામાં 1 જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય 4 જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે, અને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
નાગાલેન્ડના ચુમૌકેદિમા વિસ્તારમાં સુખોવી ક્ષેત્ર પાસે આસામ રાઇફલ્સના વાહનમાં આ શંકાસ્પદ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થયો હતો. શરૂઆતી માહિતી મુજબ, ઘાયલ જવાનોને તાત્કાલિક નજીકની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલા પાછળ કયા ઉગ્રવાદી સંગઠનનો હાથ છે, તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.
એક અઠવાડિયામાં બીજો વિસ્ફોટ
નાગાલેન્ડમાં એક જ અઠવાડિયાની અંદર આ બીજી એવી ઘટના છે, જ્યારે આસામ રાઇફલ્સના કાફલા પાસે IED વિસ્ફોટ થયો હોય. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. શંકાસ્પદ હુમલાખોરોને પકડવા માટે સુખોવી અને તેની આસપાસના જંગલોમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુખોવી એ મુખ્યત્વે નાગાલેન્ડના દીમાપુર જિલ્લામાં આવેલો એક મહત્વનો વિસ્તાર અને રેલ્વે સ્ટેશન છે.

