VIDEO: રાહુલ ગાંધી સામે FIR થતાં સુપ્રિયા શ્રીનેત ભડક્યાં: 'શુદ્ધિકરણ' વિવાદ પર ભાજપ અને ઉત્તરાખંડ સરકારને લીધા આડેહાથ!
ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ સ્ટેજના કથિત 'શુદ્ધિકરણ' વિવાદ અને તે મામલે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRને લઈને કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ભાજપ સરકાર સામે આકરો મોરચો માંડ્યો છે.
સુપ્રિયા શ્રીનેતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “જે મંચ પરથી મલ્લિકાર્જુન ખડગેએ રેલી સંબોધી હતી, ત્યાં 'શુદ્ધિકરણ'ની વિધિ કરવામાં આવી! આ ઘટના પર પડદો પાડવા માટે શરૂઆતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે ત્યાં માત્ર સફાઈ કરવામાં આવી હતી. આ કૃત્ય માટે જવાબદાર લોકોને ભાજપનું રક્ષણ મળી રહ્યું છે અને તેઓ બેફામ ફરી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવ્યો અને તેઓ સંપૂર્ણપણે સાચા હતા. આ પ્રકારનું શુદ્ધિકરણ એ સીધેસીધું અસ્પૃશ્યતાનું પ્રતીક છે. આ દેશના બંધારણે અસ્પૃશ્યતાને ગેરકાયદે અને ફોજદારી ગુનો જાહેર કરેલ છે. હું જાણવા માંગુ છું કે તે લોકો વિરુદ્ધ FIR કેમ ન નોંધાઈ?”
તેમણે મલ્લિકાર્જુન ખડગેના રાજકીય કદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી રાજકારણમાં 60 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ કોઈના દબાણમાં આવીને બોલે તેવા નેતા નથી, કે ન તો તેઓ સામાન્ય રીતે પોતાના શોષણના અનુભવોની જાહેરમાં ચર્ચા કરે છે. વાસ્તવમાં, અસ્પૃશ્યતાની આ ઘટના એવી હતી જેમાં તેમણે પોતે કોઈ મુદ્દો બનાવ્યો નહોતો, તેમ છતાં તેમની સામે તમામ પ્રકારની વાહિયાત અને વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.”
આ સમગ્ર વિવાદને લઈને કોંગ્રેસે શાસક પક્ષ પર દલિત નેતાઓનું અપમાન કરવાનો અને બંધારણીય મૂલ્યોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે.

