મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શાંતિપૂર્ણ દેખાવોને દબાવશો તો નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાશે...', સોનમ વાંગચુકની કેન્દ્રને ચેતવણી

શાંતિપૂર્ણ દેખાવોને દબાવશો તો નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાશે...', સોનમ વાંગચુકની કેન્દ્રને ચેતવણી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લેહ-લદાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે સત્યાગ્રહ અને નાગરિક અધિકારો અંગે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનો સરકાર માટે પ્રતિસાદ (ફીડબેક) અને દબાણ હળવું કરવાનું કામ કરે છે. મુંબઈ ખાતે આયોજિત આઈપીએફ (IPF) ફેસ્ટિવલમાં બોલતા તેમણે ઉમેર્યું કે યુકે, નોર્વે અને સ્વીડન જેવા વિકસિત દેશોમાં સંસદની બહાર પ્રદર્શન કરવાની છૂટ હોય છે, જ્યારે ભારતમાં જંતર-મંતર જેવા સ્થળો સંસદથી ઘણા દૂર રાખવામાં આવ્યા છે. જો લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં નહીં આવે તો નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં જે સ્થિતિ સર્જાઈ હતી તેવું પરિણામ આવી શકે છે.

સુરક્ષા દળોની તહેનાતી અને સરહદી સુરક્ષા પર સવાલો

સોનમ વાંગચુક દેશમાં આંતરિક પ્રદર્શનોને રોકવા માટે અર્ધસૈનિક દળોના ઉપયોગની પણ આકરી ટીકા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અર્ધસૈનિક દળોની તહેનાતીદેશની સરહદોની સુરક્ષા માટે થવી જોઈએ. શિયાળાના સમયમાં જ્યારે સુરક્ષા દળોનું ધ્યાન અને તહેનાતી અન્ય જગ્યાએ ફેરવવામાં આવે છે, ત્યારે ચીન લદાખ સરહદ નજીકના વિસ્તારોમાં ધીમે-ધીમે આગળ વધે છે. તેમણે ગૃહ મંત્રાલયને દેશની સરહદો પર વધુ ધ્યાન આપવા અને અર્ધસૈનિક દળોને સંરક્ષણ મંત્રાલય હેઠળ લાવવા સૂચન કર્યું હતું.

લદાખના સ્થાનિક સંચાલન અને લોકશાહી અધિકારોની માંગ

લદાખના ભવિષ્ય અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રદેશના સંચાલનમાં ત્યાંના સ્થાનિક લોકોની ભાગીદારી હોવી અત્યંત જરૂરી છે. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બાદ લદાખનું શાસન દૂર બેઠેલા પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે. બહારથી આવતા પ્રશાશકો ગમે તેટલા સારા ઈરાદા ધરાવતા હોય તો પણ તેઓ લડાખની વિશિષ્ટ પરિસ્થિતી અને પર્યાવરણને યોગ્ય રીતે સમજી શકતા નથી. તેમણે ભારપૂર્વક માંગ કરી હતી કે નાગરિકોને પ્રદર્શન કરવા માટે પરવાનગી લેવાની જરૂર ન હોવી જોઈએ અને પ્રદર્શનકારોનો અવાજ દબાવવાને બદલે તેમના સંદેશને સાંભળવો જોઈએ.

આ સમાચાર શેર કરો