Video: પંજાબ હોશિયારપુરની ફેક્ટરીમાં ઘૂસેલા દીપડાનું કલાકોની જહેમત બાદ સફળ રેસ્ક્યુ: પ્લાન્ટ બંધ રખાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સોર્સ: gstv

પંજાબના હોશિયારમાં આવેલી ફેક્ટરી પરિસરમાં દીપડો ઘૂસી આવતા કર્મચારીઓ અને તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે ફેક્ટરીની કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને કલાકોની જહેમત બાદ વન વિભાગે દીપડાને સુરક્ષિત રીતે બચાવી લીધો છે.

ચક ગુર્જરણ ગામ સ્થિત સોનાલિકા ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડના પરિસરમાં લગભગ 12 કલાક પહેલા દીપડો ભટકાઈ આવ્યો હતો. બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ ઓફિસ બ્લોક પાસે સીસીટીવી કેમેરામાં દીપડો દેખાયા બાદ તે એક ઉત્પાદન વિભાગ તરફ જતો જોવા મળ્યો હતો. કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે તાત્કાલિક કામગીરી સ્થગિત કરી દીધી હતી, સવારની પાળી રદ કરી હતી અને કર્મચારીઓ તથા અન્ય અનધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

જાહેરાત

દીપડાને શોધવા માટે વન વિભાગની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ડ્રોનની મદદથી સઘન શોધખોળ શરૂ કરી હતી. ફેક્ટરીમાં ભારે મશીનરી અને શેડ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી હતી, પરંતુ આખરે દીપડો કન્વેયર બેલ્ટ નીચે છુપાયેલો મળી આવ્યો હતો. કલાકોના ઓપરેશન બાદ બપોરની આસપાસ તેને શાંત કરી પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. ફેક્ટરી મેનેજર અતુલ શર્માએ જણાવ્યું કે બચાવ કામગીરી દરમિયાન માત્ર વન વિભાગ અને શોધ ટીમોને જ મંજૂરી અપાઈ હતી અને સદનસીબે કોઈને ઈજા થઈ નથી.

હોશિયારપુરના ડીએફઓ દેવિન્દર પાલ સિંહના જણાવ્યા મુજબ, પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા દીપડાના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે અને તબીબી મૂલ્યાંકન બાદ તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત