આ રાજ્યમાં ધર્મ-પરિવર્તનનો કડક કાયદો લાગુ: હવે ધર્મ બદલતા પહેલાં 60 દિવસ અગાઉ તંત્રને કરવી પડશે જાણ

છત્તીસગઢમાં હવે જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માંગે છે, તો તેણે ઓછામાં ઓછા 60 દિવસ પહેલાં જિલ્લા વહીવટીતંત્રને આ અંગે જાણ કરવાની રહેશે. રાજ્ય સરકારે અધિકૃત ગેઝેટમાં આ અંગેના નિયમો સૂચિત કર્યા બાદ 'છત્તીસગઢ ધર્મની સ્વતંત્રતા અધિનિયમ, 2026'ને ઔપચારિક રીતે અમલમાં મૂકી દીધો છે. આ નોટિફિકેશન સાથે જ રાજ્યમાં ધર્મ-પરિવર્તન વિરોધી કાયદો લાગુ થઈ ગયો છે. સરકારનું કહેવું છે કે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એક સ્પષ્ટ અને પારદર્શક કાનૂની પ્રક્રિયા દ્વારા ગેરકાયદેસર ધર્મ-પરિવર્તનને રોકવાનો છે.
કાયદા અંગે સરકારનો દાવો અને માળખું
સરકારનો દાવો છે કે આ નવા કાયદાથી ગેરકાયદેસર ધર્માંતરણ પર અસરકારક રોક લાગશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં 4 ઓગસ્ટ, 2026ના રોજ આ અધિનિયમની સૂચના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ નવા અધિનિયમમાં કુલ ચાર ભાગ અને 24 કલમો સામેલ છે. તેનો મુખ્ય હેતુ બળજબરીથી, લાલચ આપીને, છેતરપિંડીથી કે દબાણ કરીને કરવામાં આવતા ધર્માંતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો છે.
નવા કાયદાથી કયા ફેરફારો થશે?
નવા નિયમો અનુસાર, ધર્મ પરિવર્તન કરવા ઈચ્છુક વ્યક્તિએ જાતે જ સ્વેચ્છાએ ઘોષણા કરવી પડશે. પ્રસ્તાવિત ધર્મ પરિવર્તનની માહિતી સાર્વજનિક કરવામાં આવશે, જેથી જો કોઈને વાંધો હોય તો તે નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પોતાની આપત્તિ નોંધાવી શકે. આ ઉપરાંત, ધર્મ પરિવર્તન કરાવનાર ધર્મગુરુ કે સંબંધિત વ્યક્તિએ પણ અગાઉથી સક્ષમ અધિકારીને જાણ કરવી ફરજિયાત રહેશે. પ્રક્રિયામાં કોઈ ભૂલ જણાય તો તેને સુધારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
લગ્ન અને વિદેશી ફંડિંગ અંગે કડક જોગવાઈઓ
આ નવો કાયદો લગ્ન સાથે જોડાયેલા ધર્મ પરિવર્તનના કેસો પર પણ લાગુ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરવામાં આવેલા લગ્નોને અમાન્ય જાહેર કરી શકાશે. આ સિવાય, ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના કેસોમાં વિવિધ સંગઠનોની ભૂમિકા અને વિદેશી ફંડિંગ (Foreign Funding)ની તપાસ કરવાની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ કાયદો ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાની સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવશે.

