"કાળી ગાડીઓમાં અજાણ્યા લોકો અને પોલીસ આવે છે..." PM સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર વિદ્યાર્થિનીની માતાએ વ્યક્ત કરી વ્યથા

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર 15 વર્ષની ધોરણ 10ની વિદ્યાર્થીની અને તેની વિધવા માતાને પોતાનું ભાડાનું ઘર છોડીને અન્ય સ્થળે શરણ લેવાની ફરજ પડી છે. માતાના જણાવ્યા અનુસાર, પુત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની ભૂલ સ્વીકારીને દેશવાસીઓ અને વડાપ્રધાન પાસે માફી માંગી લીધી હોવા છતાં, પોલીસ અને અજાણ્યા લોકો સતત તેમના ઘરે આવીને હેરાન કરી રહ્યા છે.
માતાએ વર્ણવી પોતાની વ્યથા
2019માં અકસ્માતમાં પતિ ગુમાવનાર અને એકલા હાથે પુત્રીનો ઉછેર કરતી માતાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'પ્રદર્શન સ્થળે અન્ય લોકોથી ઉશ્કેરાઈને મારી પુત્રીએ મોટી ભૂલ કરી હતી, જે બદલ તેણે માફી પણ માંગી લીધી છે. છતાં પાડોશીઓ કહે છે કે કાળી ગાડીઓમાં અજાણ્યા લોકો અને યુપી પોલીસ હજુ પણ અમારા જૂના ઘરે આવી રહ્યા છે. આ ડરના કારણે અમે રહેઠાણ બદલવું પડ્યું છે. હું ટ્યુશન ભણાવું છું અને પુત્રી ભણે છે, હવે અમારું ભવિષ્ય શું થશે તેની ખબર નથી.' માતાએ સત્તાધીશો અને જનતાને અપીલ કરી છે કે, 'મારી દીકરી નાની છે અને નાદાન છે, તેથી અમને શાંતિથી જીવવા દેવામાં આવે.'
બાળકીએ માંગી હતી માફી
1 ઓગસ્ટના રોજ વાઇરલ થયેલા એક વીડિયોમાં બાળકીએ સ્વીકાર્યું હતું કે, 'પ્રદર્શન સ્થળે ઘણા જૂથો પીએમ મોદી વિરુદ્ધ બોલી રહ્યા હતા અને અન્ય લોકોને ઉશ્કેરી રહ્યા હતા. તેમની વાતોમાં આવીને મેં આ પગલું ભર્યું હતું. આ ઘટનાને મારી 'પ્રથમ અને છેલ્લી ભૂલ' છે અને આ બાબતે હું સમગ્ર દેશની માફી માંગુ છું.' સાથે જ, FIRમાં તેની જન્મતારીખ 1994 લખાઈ હોવાની વિસંગતતા સામે આવી છે, જ્યારે તેની માતાના જણાવ્યા મુજબ તેનો જન્મ 2011માં થયો છે અને તે માત્ર 15 વર્ષની સગીર છે.
ઝીરો FIR દિલ્હી ટ્રાન્સફર, કેસ બંધ થવાની શક્યતા
ઘટના બાદ નોઈડા પોલીસે બાળકી વિરુદ્ધ માનહાનિ અને ઉશ્કેરણીજનક ટિપ્પણી હેઠળ ઝીરો FIR દાખલ કરીને કેસ દિલ્હી પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. જોકે, દિલ્હી પોલીસે હજુ સુધી તેને નિયમિત FIRમાં ફેરવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકીએ માફી માંગી લીધી હોવાથી અને તે સગીર હોવાથી આ કેસમાં આગળ કાનૂની કાર્યવાહી ન થાય તેવી શક્યતા છે. જોકે, અન્ય બંધારણીય હોદ્દેદારો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રી ફેલાવનારા સાયબર ગુનેગારો સામે તપાસ ચાલુ છે.
વિરોધ પ્રદર્શન અને દિલ્હી સરકારની ખાતરી
જંતર-મંતર ખાતેના આ વિરોધ પ્રદર્શન સંબંધિત હિંસા, તોફાન અને પોલીસ પર હુમલાના આરોપ હેઠળ દિલ્હી પોલીસે અગાઉ 13 જેટલી FIR નોંધેલી છે. દિલ્હી સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રદર્શનમાં શાંતિપૂર્વક ભાગ લેનારા કે હિંસામાં સામેલ ન હોય તેવા નિર્દોષ વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની પગલાં લેવામાં આવશે નહીં, પરંતુ કાયદો અને વ્યવસ્થા બગાડનારા અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરાશે.

