VIDEO: "કમિટીઓ બનાવવાનું બંધ કરો, પરિણામ લાવો!" NEET-UG મામલે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પર લાલઘૂમ!
NEET-UG પરીક્ષા સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અદાલતે કેન્દ્ર સરકાર પાસેથી આગામી NEET પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા અંગે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા લેવામાં આવનારા પગલાં અંગે સ્પષ્ટતા માંગી હતી.
એક પછી એક સમિતિઓ નહીં, પરિણામ જોઈએ: સુપ્રીમ કોર્ટ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે પરીક્ષા પ્રક્રિયાનું તબક્કાવાર વિશ્લેષણ રજૂ કર્યું હતું. જોકે, અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે રાધાકૃષ્ણન સમિતિની ભલામણો હોવા છતાં નંદન નીલેકણી સમિતિની રચના કેમ કરવી પડી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, "અમને એક પછી એક નવી સમિતિઓ નથી જોઈતી, પરંતુ નક્કર પરિણામ અને અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે." આ ઉપરાંત કોર્ટે NTAના સંસ્થાકીય સુધારા પર વિશેષ ભાર મૂક્યો હતો.
૩ અઠવાડિયામાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ
અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ એફિડેવિટ દાખલ કરીને જણાવે કે રાધાકૃષ્ણન સમિતિના અહેવાલનું પાલન કેવી રીતે કરવામાં આવ્યું છે અને NTAનું સંસ્થાકીય માળખું સુધારવા માટે શું યોજના છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે માત્ર આ વર્ષ કે આગામી વર્ષની NEET પરીક્ષા સુધી મર્યાદિત નથી, પરંતુ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી એક મજબૂત અને કાયમી વ્યવસ્થા ઊભી કરવા માંગે છે. કેન્દ્ર સરકારને આ અંગે સોગંદનામું રજૂ કરવા ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
પેન-પેપર મોડલ સામે કમ્પ્યુટર-આધારિત પરીક્ષાનું સૂચન
એડવોકેટ તન્વી દુબેએ જણાવ્યું કે, 'ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ડોક્ટર્સ એસોસિએશન' તરફથી અદાલતમાં વિગતવાર સૂચનો રજૂ કરવામાં આવ્યા છે. રાધાકૃષ્ણન સમિતિએ પેન-એન્ડ-પેપર મોડલને સૌથી નબળી પ્રણાલી ગણાવી હતી અને પેપર ટ્રાન્સપોર્ટેશન તથા સ્ટોરેજ જેવી પ્રક્રિયાઓમાં માનવીય દખલગીરી ઘટાડવા માટે કમ્પ્યુટર-આધારિત (CBT) મોડલ અપનાવવાની ભલામણ કરી હતી. આ બાબતને ધ્યાને રાખીને અદાલત સમક્ષ કમ્પ્યુટર-આધારિત પરીક્ષા પદ્ધતિ લાગુ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
આ મામલે હવે ત્રણ અઠવાડિયા પછી વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

