VIDEO: બેંગલુરુ/ મડાપટનામાં પથ્થરની ખાણ ધસી પડી; બિહાર અને આસામના 9 મજૂરોના મોત
Bengaluru Quarry Collapse: કર્ણાટકની રાજધાની બેંગલુરુના દક્ષિણ તાલુકાના મડાપટના વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ગુરુવારે સવારે એક પથ્થરની ખાણમાં કામ કરી રહેલા શ્રમિકો પર અચાનક એક વિશાળ ભેખડ ધસી પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 9 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક શ્રમિકો બિહાર અને અસમના રહેવાસી હતા અને અહીં રોજમદાર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
40 ફૂટની ઊંચાઈએથી પડી ભેખડ, બચવાની તક જ ન મળી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તમામ શ્રમિકો ખાણમાં પથ્થર તોડવાનું કામ કરી રહ્યા હતા. તે જ સમયે એક વિશાળ પથ્થર તેમની ઉપર આવી પડ્યો અને તેઓ મલબા નીચે દબાઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શી શ્રમિકના જણાવ્યા મુજબ, ઘટના સમયે ત્યાં આશરે 18 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. આ પથ્થર અંદાજે 40 ફૂટની ઊંચાઈએથી નીચે પડ્યો હતો. ભેખડ એટલી ઊંચાઈ પરથી પડી કે શ્રમિકોને ત્યાંથી ભાગવાની કે બચવાની કોઈ તક જ ન મળી.
ઘાયલો હોસ્પિટલમાં દાખલ, બચાવ કામગીરી શરૂ
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ અનેક મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. હાલ આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે જેથી જેસીબી અને અન્ય મશીનો દ્વારા કાટમાળ હટાવવાનું કામ ઝડપથી થઈ શકે. અધિકારીઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે હજુ પણ કોઈ શ્રમિક કાટમાળ નીચે દબાયેલું છે કે નહીં.
બેદરકારી અંગે તપાસના આદેશ, પરિવારોમાં માતમ
પોલીસે તમામ મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને તેમના પરિવારોને આ દુઃખદ ઘટનાની જાણ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ સાથે જ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આખરે આ ભેખડ કયા કારણોસર ધસી પડી? શું ખાણમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હતું કે નહીં? પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં ખાણ માલિક કે અન્ય કોઈની બેદરકારી સામે આવશે, તો જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિકોના પરિવારો સદમામાં છે.
મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે શોક વ્યક્ત કર્યો
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે બેંગલુરુના મડાપટના વિસ્તારમાં સર્જાયેલી આ દર્દનાક દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોકાતુર પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકો ઝડપથી સાજા થઈ જાય તેવી કામના પણ કરી હતી.

