VIDEO: ઝારખંડના આંદોલનમાં સોનમ વાંગચુકની એન્ટ્રી! ભૂખ હડતાળ વચ્ચે વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહતોએ લીધો મોટો નિર્ણય!
સોનમ વાંગચુક સાથે થયેલી વાતચીત અંગે તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે તેમને ખબર પડી કે હું અન્ન કે જળ કશું જ ગ્રહણ નથી કરી રહ્યો, ત્યારે તેમણે મારી ટીમનો સંપર્ક કર્યો અને અમારા આંદોલનને સમર્થન જાહેર કર્યું. તેમણે મને કહ્યું કે જ્યારે તેઓ જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠા હતા, ત્યારે તેઓ પાણી પીતા હતા પરંતુ ખોરાક લેતા નહોતા. તેમણે મને પાણી પીવાનો આગ્રહ કર્યો હતો.
મેં તેમની સમક્ષ એક શરત મૂકી હતી કે જો તેઓ જ્યાં સુધી અમને સફળતા ન મળે ત્યાં સુધી અમારું સમર્થન ચાલુ રાખશે, તો જ હું પાણી પીશ. આ સાથે જ મેં તેમને ઝારખંડ આવવાની વિનંતી પણ કરી હતી, જેના પર તેમણે ઝારખંડ આવવાની ખાતરી આપી છે."
ઝારખંડની રાજધાની રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગરબડ સામે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે એક નવા વળાંક પર પહોંચ્યું છે. જેએલકેએમ (JLKM) ના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને છાત્ર નેતા દેવેન્દ્ર નાથ મહતો છેલ્લા કેટલાક દિવસોથી કડક ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે શરત મૂકી હતી કે પ્રખ્યાત પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનજાતે રાંચી આવીને તેમને મળશે ત્યારે જ તેઓ અનશન તોડશે.
આ દરમિયાન, સોનમ વાંગચુકે ટેલિફોનિક વાતચીત કરીને દેવેન્દ્ર મહતોને પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવા અને પાણી તથા મધ ગ્રહણ કરવા ખાસ વિનંતી કરી હતી. વાંગચુકના સતત આગ્રહ બાદ મહતોએ પાણી પીને પોતાનું 'વોટર ફાસ્ટ' તોડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાંચીમાં વિદ્યાર્થીઓના આ આંદોલનનો આજે 12મો દિવસ છે.
'અનશનનો હેતુ સરકારને જગાડવાનો છે, પોતાને નુકસાન પહોંચાડવાનો નહીં'
ફોન પર વાતચીત દરમિયાન દેવેન્દ્ર મહતોએ વાંગચુક પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો અને તેમની હાજરીમાં જ જળ ગ્રહણ કરવાની ઈચ્છા દર્શાવી હતી. જેના જવાબમાં સોનમ વાંગચુકે આંદોલનને પોતાનું પૂર્ણ સમર્થન આપતાં ટૂંક સમયમાં જ રાંચી આવવાની ખાતરી આપી હતી.
વાંગચુકે મહતોને સમજાવતા કહ્યું હતું કે, જો તેઓ પાણી અને મીઠું પણ નહીં લે તો લાંબા સમય સુધી લડત આપી શકશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, અનશનનો મુખ્ય હેતુ ઘોર નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવાનો છે, નહીં કે પોતાના શરીરને નુકસાન પહોંચાડવાનો. મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, ગાંધીજી પણ અનશન દરમિયાન પાણીમાં લીંબુ ઉમેરીને લેતા હતા, જેથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળતી રહે.

