VIDEO: ચૂંટણી પંચ સામે CJPના વિરોધ પ્રદર્શનને પગલે શિવાજી પાર્ક પોલીસ છાવણીમાં ફેરવાયું: મુંબઈમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
ચૂંટણી પંચ (Election Commission) સામે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા વિરોધ પ્રદર્શનના એલાનને પગલે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, શિવાજી પાર્કને વિરોધ પ્રદર્શનનું સ્થળ બનાવવા સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
'સામાન્ય નાગરિકોની હેરાનગતિ માટે કોણ જવાબદાર?'
શિવાજી પાર્ક વિસ્તારમાં રહેતા એક સ્થાનિક નાગરિકે પોતાની નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, "અમે અહીં રોજ વોકિંગ કરવા આવીએ છીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં સતત આંદોલનો અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સામાન્ય નાગરિકોને જે હાલાકી ભોગવવી પડે છે તેના માટે કોણ જવાબદાર છે? આ તદ્દન ખોટું છે. જો કોઈ મુદ્દો યોગ્ય હોય અને વિરોધ કરવો જ હોય, તો સરકારે પ્રદર્શનો માટે આઝાદ મેદાન જેવી જગ્યા ફાળવી છે, ત્યાં જવું જોઈએ."
પોલીસ મથકે રજૂઆત: 'અહીં સ્કૂલ અને હોસ્પિટલો છે'
વિસ્તારના અન્ય એક રહીશે વિરોધ નોંધાવતા જણાવ્યું કે, "અમે આ વિસ્તારમાં રહીએ છીએ. આજે અહીં મોટા પાયે પોલીસ કાફલો તૈનાત છે અને સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક એસોસિએશનો દ્વારા શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે કે અહીં કોઈ પણ પ્રકારના પ્રદર્શનની મંજૂરી ન આપવી જોઈએ. આજુબાજુ શાળાઓ અને હોસ્પિટલો આવેલી છે, જેના કારણે દર્દીઓ અને વિદ્યાર્થીઓને ભારે અગવડ પડે છે. અમારી માત્ર એટલી જ માગણી છે કે પ્રદર્શનકારીઓએ આંદોલન કરવા માટે આઝાદ મેદાન જવું જોઈએ."
ઉલ્લેખનીય છે કે, સામાન્ય જનજીવન અને ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત ન થાય તે માટે સ્થાનિક રહીશો અને સંગઠનો શિવાજી પાર્કમાં રાજકીય કે આંદોલનાત્મક સભાઓ યોજવાનો સખત વિરોધ કરી રહ્યા છે.

