VIDEO: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: તમિલનાડુમાં ગાય-વાછરડાની કતલ પરના સંપૂર્ણ પ્રતિબંધ પર હાલ પૂરતી રોક
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે એક મોટો ચુકાદો આપતા મદ્રાસ હાઈકોર્ટના (Madras High Court) એ આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં તમિલનાડુ સરકારને બકરીઈદ કે અન્ય કોઈપણ દિવસે ગાય અથવા વાછરડાની કતલ ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તમિલનાડુ સરકારને વચગાળાની રાહત (Interim Relief) આપતાં હાઈકોર્ટના આદેશના અમલીકરણ પર તાત્કાલિક અસરથી સ્ટે (Stay) આપ્યો છે અને આ મામલે સામા પક્ષવાળાને નોટિસ (Notice) જારી કરી છે.
હાઈકોર્ટનો આદેશ કાયદાથી વિપરીત: રાજ્ય સરકારની દલીલ
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે (Bench) આ કેસની સુનાવણી હાથ ધરી હતી. તમિલનાડુ સરકારે હાઈકોર્ટના ચુકાદાને પડકારતા દલીલ કરી હતી કે રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ (Complete Ban on Cow Slaughter) લાદવાનો આદેશ તમિલનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, 1958 (Tamil Nadu Animal Preservation Act, 1958) ના નિયમોથી તદ્દન વિપરીત છે.
૧૯૫૮ના કાયદામાં કઈ શરતો હેઠળ છે મંજૂરી?
રાજ્ય સરકારના કાયદા અનુસાર, કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં પશુઓની કતલ કરવાની કાયદેસર મંજૂરી આપવામાં આવી છે. આ શરતોમાં:
પશુની ઉંમર ૧૦ વર્ષથી વધુ હોય.
પશુ પ્રજનન (Breeding) માટે સક્ષમ ન હોય.
પશુ ખેતીકામ માટે બિનઉપયોગી થઈ ગયું હોય.
જોકે, આ માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી જરૂરી પ્રમાણપત્ર (Required Certificate) મેળવવું ફરજિયાત છે.
સુપ્રીમ કોર્ટનું અવલોકન અને આગામી સુનાવણી
આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે હાઈકોર્ટના આ આદેશમાં કાનૂની સુધારાની (Correction) જરૂર છે. આથી અદાલતે હાઈકોર્ટના તમામ નિર્દેશો પર આગામી કાર્યવાહી સુધી તાત્કાલિક રોક લગાવી દીધી છે. હવે આ કેસની અંતિમ સુનાવણી (Final Hearing) બાદ જ આ વિવાદ પર કાયમી ચુકાદો આવશે, ત્યાં સુધી રાજ્યમાં જૂનો કાયદો જ અમલી રહેશે.

