VIDEO: રામ મંદિરમાં દાન ચોરી મામલે RSS વડા ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે રામ મંદિરના દાન ચોરી મામલે મૌન તોડ્યું છે. નાગપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આ વિવાદ પર જે નિવેદન આપ્યું છે, તેઓ તેની સાથે સંપૂર્ણ સહમત છે. ભાગવતે ઉમેર્યું કે, હોસબાલેનું નિવેદન વાંચી લો, મારો અભિપ્રાય પણ એ જ છે.
સમગ્ર હિન્દુ સમાજની આસ્થાને મોટો ઝટકો વાગ્યો : હોસબાલે
આ પહેલા શુક્રવારે દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમ ચોરી થવાની ઘટનાથી રામ ભક્તો અને સમગ્ર હિન્દુ સમાજની આસ્થાને ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે માગ કરી હતી કે, આ મામલામાં જે પણ વ્યક્તિ દોષિત સાબિત થાય તેને કડકમાં કડક સજા મળવી જોઈએ.
હિન્દુ ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર : RSS
હોસબાલેએ ચેતવણી આપી હતી કે, હિન્દુ વિરોધી તાકાતો આ કમનસીબ ઘટનાનો ફાયદો ઉઠાવીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે હિન્દુ સમાજને અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ ધૈર્ય રાખે અને શાંતિ જાળવી રાખે, જેથી આવી દેશવિરોધી ષડયંત્રોને નિષ્ફળ બનાવી શકાય.
સોમવારે ટ્રસ્ટની મહત્વની બેઠક મળશે
બીજી તરફ, દાન ચોરીની તપાસ માટે રચાયેલી SITના પ્રાથમિક અહેવાલ પર ચર્ચા કરવા માટે સોમવારે અયોધ્યાની મણિ રામદાસ છાવણીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યો એક મહત્વની બેઠક યોજશે. હાલ આ મામલામાં બે સમાંતર તપાસ ચાલી રહી છે, જેમાં એક તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે (જેનો સમયગાળો જુલાઈના અંત સુધી લંબાયો છે) અને બીજી તપાસ સ્થાનિક પોલીસ કરી રહી છે.

