રામ મંદિર દાન વિવાદમાં મોટો ટ્વિસ્ટ! VHPએ કેજરીવાલ-પ્રિયંકા સહિતના નેતાઓ સામે પોલીસ કાર્યવાહી માગી

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનની કથિત ચોરીને લઈને દેશના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી જે મુદ્દે વિપક્ષી નેતાઓ સરકાર અને ટ્રસ્ટ પર આકરા પ્રહારો કરી રહ્યા હતા, હવે તે જ નેતાઓ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ આ આરોપોને લાખો ભક્તોની આસ્થાનું અપમાન ગણાવીને સીધો પોલીસનો સંપર્ક કર્યો છે. પરિણામે, ટૂંક સમયમાં જ વિપક્ષના દિગ્ગજ નેતાઓએ પોતાના દાવા સાબિત કરવા માટે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડી શકે છે.
VHP ની કડક માંગ અને પોલીસ ફરિયાદ
અયોધ્યા રામ મંદિરમાં કથિત દાન કૌભાંડ અંગે ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે આક્રમક વલણ અપનાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે અયોધ્યાના ડીએસપી આશુતોષ તિવારીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આરોપ લગાવનારા દેશના અગ્રણી વિપક્ષી નેતાઓ સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને પોલીસ પાસે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કયા નેતાઓ સામે તપાસની માંગ?
આ પત્રમાં નીચેના અગ્રણી નેતાઓના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા રામ મંદિરના દાનના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેમ કે, અરવિંદ કેજરીવાલ (આમ આદમી પાર્ટીના વડા), સંજય સિંહ (રાજ્યસભા સાંસદ), પ્રિયંકા ગાંધી વાડ્રા (કોંગ્રેસ મહા સચિવ) અને રામ ગોપાલ યાદવ (સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા). વિપક્ષી નેતાઓએ મીડિયા સામે જે દાવા કર્યા હતા, તેને જ વિશ્વ હિન્દુ પરિષદે આ પત્રનો આધાર બનાવ્યા છે.
વિપક્ષી નેતાઓ પર મૂકેલા આરોપો
અરવિંદ કેજરીવાલ: તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો દ્વારા દાવો કર્યો હતો કે મંદિરમાંથી ભગવાનના ઘરેણાં, ચાંદીની ઇંટો અને લગભગ 200 કરોડ રૂપિયાની રોકડ ચોરી થઈ છે. તેમણે યુપી પોલીસ, ઈડી અને સીબીઆઈના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
સંજય સિંહ: તેમણે એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે દાનપેટીઓમાંથી રૂ. 200 કરોડથી વધુની ચોરી થઈ છે અને આ કૌભાંડમાં 50થી વધુ કર્મચારીઓ સંડોવાયેલા છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા: તેમણે સીસીટીવી કેમેરા બંધ કરવા અંગે સવાલ ઉઠાવતા આશંકા વ્યક્ત કરી હતી કે, શું આટલું મોટું કૌભાંડ માત્ર નાના કર્મચારીઓ કરી શકે કે પછી આમાં કોઈ ઉચ્ચ સ્તરના લોકોની મિલીભગત છે?
‘પુરાવા આપો, નિવેદન નોંધો’
આલોક કુમારે અયોધ્યા પોલીસને સ્પષ્ટ વિનંતી કરી છે કે આ રાજકીય નેતાઓને તપાસના દાયરામાં લાવી તેમના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવે. પરિષદની માંગ છે કે આ નેતાઓ પાસે પૂછપરછ કરવામાં આવે કે તેમના આ ગંભીર આરોપોનો નક્કર આધાર શું છે? તેમની પાસે કયા સ્ત્રોત કે દસ્તાવેજો છે, તે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવે.
નોંધનીય છે કે, વિશ્વ હિન્દુ પરિષદનું માનવું છે કે કોઈપણ નક્કર પુરાવા વિના આટલા મોટા આસ્થા કેન્દ્ર પર આક્ષેપો કરવા એ દેશ-વિદેશના લાખો રામ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડવા સમાન છે. રામ મંદિરમાં થયેલી ચોરીના મામલે વિપક્ષો દ્વારા લગાવાયેલા આરોપોના જવાબમાં પરિષદે જે રીતે વળતો પ્રહાર કરીને ચોરીના પુરાવા માંગ્યા છે, તે જોતા જોરદાર રાજકારણ ગરમાયું છે. હવે આ પત્ર બાદ અયોધ્યા પોલીસ આ દિગ્ગજ નેતાઓ સામે શું કાનૂની પગલાં ભરે છે, તેના પર સૌની નજર રહેશે.

