VIDEO: 'મોદી- શાહ- જ્ઞાનેશકુમાર- તમે બધા કાયર છો, ડરપોક છો', અટકાયત વેળાએ લાઠીચાર્જનો આક્ષેપ કરી RJD સાંસદ મનોજ ઝા કેન્દ્ર પર તૂટી પડ્યા
ચૂંટણી પંચ અને મતદાર યાદી સુધારણાના મુદ્દે દિલ્હીમાં ઈન્ડિયા (INDIA) બ્લોકનું વિરોધ પ્રદર્શન અત્યંત ઉગ્ર અને સંઘર્ષપૂર્ણ બની ગયું છે. જંતરમંતર તરફ કૂચ કરી રહેલા વિપક્ષી સાંસદો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયા બાદ પોલીસે અનેક નેતાઓની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા અટકાયત કરાઈ રહી હતી તે સમયે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રાજ્યસભા સાંસદ પ્રોફેસર મનોજ કુમાર ઝાએ અત્યંત આક્રોશ વ્યક્ત કરતાં પોલીસ અને સરકાર પર નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
વર્ષો પછી આવું બર્બર દ્રશ્ય જોયું: મનોજ ઝા
પોલીસ વાનમાં લઈ જવાતી વખતે પત્રકારો સાથે વાત કરતા મનોજ ઝાએ ઉગ્ર અવાજે જણાવ્યું હતું કે, "તેમણે ખૂબ જ નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કર્યો છે. અમે વર્ષોથી આવું દમનકારી દ્રશ્ય જોયું ન હતું. આ બર્બરતાની પરાકાષ્ઠા છે. આ લોકશાહી નથી પરંતુ તાનાશાહી છે."
મોદી, શાહ અને સીઈસી પર સીધો પ્રહાર
સાંસદો પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી માટે મનોજ ઝાએ દેશના ટોચના નેતૃત્વ અને મુખ્ય ચૂંટણી કમિશનરને સીધા જવાબદાર ગણાવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, "આ ઘટના માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીજી - આ બધા જ સીધા જવાબદાર છે. તમે સંપૂર્ણપણે ખુલ્લા પડી ગયા છો અને જનતાની સામે તમારી પોલ ખુલી ગઈ છે. તમે બધા કાયર છો."
વિપક્ષી નેતાઓનો દાવો છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે બંધારણીય અધિકારો અને નાગરિકોના મતાધિકાર માટે પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ સરકારે સુરક્ષા દળોનો દુરુપયોગ કરીને જનપ્રતિનિધિઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીમાં વિપક્ષી સાંસદો પર લાઠીચાર્જના આક્ષેપો અને વ્યાપક અટકાયતને કારણે દેશભરમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે.

