VIDEO: "વિરોધ કરવાનો અધિકાર છે પણ રસ્તા પર હોબાળો કરવાથી જવાબ નહીં મળે": વિપક્ષ પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન લાલઘૂમ
દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી પંચ સામે વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક) દ્વારા કરવામાં આવી રહેલા સતત વિરોધ પ્રદર્શનો પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે લોકશાહીમાં વિરોધ પ્રદર્શનના અધિકારને આવકારતાં કહ્યું કે, સવાલો ઉઠાવવા લોકશાહીની તાકાત છે, પરંતુ માહિતી કે જવાબો મેળવ્યા વિના રોજ રસ્તા પર હંગામો મચાવવો યોગ્ય નથી.
લખનઉ ખાતે પત્રકારો સાથે વાત કરતા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, "લોકશાહી વિરોધ કરવાની છૂટ આપે છે; તમારે ચોક્કસ વિરોધ કરવો જ જોઈએ અને તેનાથી લોકશાહી મજબૂત બને છે. વિપક્ષ જેટલો વધુ સક્રિય દેખાય તેટલી સરકારની જવાબદારી વધે છે. તેથી ચોક્કસ ઘેરાવ કરો અને સવાલો પૂછો, પરંતુ તે સવાલોના જવાબો શોધવાનો પણ પ્રયાસ કરો. નહીં તો અધૂરી માહિતીના કારણે તમે માત્ર હોબાળો મચાવતા રહેશો — અને તે જ્ઞાન રસ્તાઓ પરથી નહીં મળે."
'ચૂંટણી પંચ પાસે સમય માંગીને જવાબો મેળવો'
વિપક્ષી રણનીતિ પર કટાક્ષ કરતાં તેમણે ઉમેર્યું કે, "તમે એક દિવસ વિરોધ કર્યો, સમર્થકો સુધી તમારો સંદેશો પહોંચાડ્યો અને પોલીસે અટકાયત કરી તે સંઘર્ષ પણ દર્શાવ્યો. હવે તમારા સવાલોના વાસ્તવિક જવાબો શું છે તે શોધો. પ્રક્રિયા સાવ સરળ છે: ચૂંટણી પંચનો સંપર્ક કરો અને મુલાકાત માટે સમય માગો. એક રાજકીય પક્ષ તરીકે તમને ચોક્કસ સમય અપાશે. મને ખાતરી છે કે ત્રણેય ચૂંટણી કમિશનરો હાજર રહીને તમારા સવાલોના જવાબ આપશે."
'મેં પણ સવાલો કર્યા હતા, મને પોઈન્ટ-ટુ-પોઈન્ટ જવાબ મળ્યા'
પોતાનો અનુભવ વર્ણવતાં ચિરાગ પાસવાને કહ્યું કે, "ભૂતકાળમાં મેં પણ ચૂંટણી પંચ સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા, કારણ કે તે એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે. મારી ચિંતા એ હતી કે વિપક્ષ દ્વારા ઉભા કરાયેલા સંશય સામાન્ય જનતામાં ગેરસમજ ન ફેલાવે. મેં પ્રશ્નો કર્યા અને મને મુદ્દાસર સંતોષકારક જવાબો મળ્યા. જો વિપક્ષને સંતોષ ન હોય તો તેઓ ફરી એપોઇન્ટમેન્ટ લઈ ૧૦ કે ૧૦૦ સવાલો પૂછી શકે છે અથવા પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. પરંતુ દરરોજ ખોટા બહાના બનાવીને હોબાળો કરવો યોગ્ય નથી."
લંચ પોલિટિક્સ અને સુરક્ષા વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો
છેલ્લા બે દિવસથી કનોટ પ્લેસમાં લંચ બાદ અચાનક નીકળતી માર્ચ અંગે ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "તમે એક જગ્યાએ લંચ માટે ભેગા થાવ છો અને અચાનક માર્ચ કરવા આગળ વધી જાઓ છો. દરેક સંસ્થાના પોતાના પ્રોટોકોલ, મર્યાદાઓ અને સુરક્ષા સંબંધિત બાબતો હોય છે. જો ભગવાન ન કરે ને આવા હોબાળા વચ્ચે કોઈ અણધારી કે અપ્રિય ઘટના બની જાય, તો તેની જવાબદારી કોણ લેશે?"

