VIDEO: ‘મોદી-શાહ લોકશાહી ખતમ કરવા માગે છે...’ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર!
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રક્રિયા અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા અંગે ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે. ‘ઈન્ડિયા’ ગઠબંધનના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને વિસ્તૃત આવેદનપત્ર સોંપીને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પાછળના કારણોથી વાકેફ કર્યા હતા.
રાષ્ટ્રપતિ ભવન બહાર મીડિયા સાથે વાતચીત કરતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, "અમારા ગઠબંધનના પક્ષોના નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આવેદનપત્ર સુપરત કર્યું છે. અમે ખાસ કરીને 'વોટોની ચોરી' સામે ચાર દિવસ પહેલાં શરૂ કરેલા આંદોલન અંગે રાષ્ટ્રપતિને અવગત કરાવવા ગયા હતા અને અમારો પક્ષ સંપૂર્ણપણે રજૂ કર્યો છે. અમે ચૂંટણી પંચની ગંભીર ક્ષતિઓ અને CEC જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલી મોટી ભૂલો તરફ તેમનું ધ્યાન દોર્યું છે."
તેમણે આગળ જણાવ્યું કે, વિપક્ષે ભારપૂર્વક માગ કરી છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ બંધ કરીને બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજવામાં આવે. રાષ્ટ્રપતિએ વોટ ચોરી અને ગેરરીતિઓ અંગેના પુરાવા માંગ્યા છે. ખડગેએ ખાતરી આપી હતી કે વિપક્ષ હાલ તમામ પુરાવા એકત્રિત કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તમામ સંબંધિત માહિતી રાષ્ટ્રપતિ સમક્ષ સબમિટ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશની લોકશાહીને નબળી પાડવા અને ખતમ કરવા તરફ પગલાં લઈ રહ્યા છે.
ખડગેએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ વિપક્ષની તમામ બાબતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી છે અને તેમણે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની, સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવાની અને યોગ્ય કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે.

