VIDEO: દિલ્લીમાં અનામત હટાવો આંદોલન પટણામાં અનામત વધારો આંદોલન
દિલ્લીમાં અનામત હટાવો આંદોલન
પટણામાં અનામત વધારો આંદોલન
દેશમાં અનામત આંદોલનની ધુમ
બિહારની રાજધાની પટણામાં અનામતમાં વધારો કરવા માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પટણાની ગાંધી મેદાનથી લોકભવન સુધી મોટી સંખ્યામાં અનામત વર્ગના યુવાનો જોડાયા હતા. ‘આરક્ષણ વધારો, સંવિધાન બચાવો’ના નારા સાથે યોજાયેલી આ રેલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અત્યંત પછાત અને અન્ય પછાત વર્ગોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.. આંદોલનકારીઓએ ગાંધી મેદાનથી લોકભવન સુધી માર્ચ કાઢીને બિહાર સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આંદોલનકારીઓની મુખ્ય માંગ હતી કે બિહારમાં SC, ST, EBC અને OBC વર્ગો માટે આરક્ષણની મર્યાદા વધારીને 65 ટકા કરવામાં આવે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ આરક્ષણ લાગુ કરવામાં આવે. આ સાથે આરક્ષણ સંબંધિત કાયદાઓને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. રાજ્યની મુખ્યધારામાં પછાત અને વંચિત વર્ગોને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવે.
આંદોલનકારીઓએ ગાંધી મેદાનથી મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસસ્થાન સુધી કુચ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે આંદોલનકારીઓને મુખ્યમંત્રીના ઘર પહેલા જ રોકી લીધા હતા. આંદોલનકારીઓ રોકવા માટે પટણા પોલીસ દ્રારા લોકભવન માર્ગ પર મોટી સંખ્યામાં બેરીકેટ લગાડી દેવામાં આવ્યા હતા. પટણાના જે.પી. ગોલમ્બર અને ડાકબંગલા ચોક સહિતના વિસ્તારોમાં બેરીકેડિંગ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ડાકબંગલા ચોક પર કાંટાળા તાર પણ લગાવવામાં આવી હતી. તેમ છતાં પ્રદર્શનકારીઓ બેરીકેટ તોડીને મુખ્યમંત્રીના આવાસ તરફ આગળ વધવામાં સફળ થયા હતા.
બિહારમાં છેલ્લા કેટલાક સમયથી અનામત વધારવા માટે આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનકારીઓની માગ છે પછાત વર્ગના લોકોને પુરતું પ્રતિનિધિત્વ મળતું નથી. આ કારણે સામાજિક અને આર્થિક વિકાસ માટે અનામતમાં વધારો કરવો જરુરી છે. તેઓનું કહેવું છે કે સમાજના વંચિત વર્ગોને સમાન તક, પ્રતિનિધિત્વ અને બંધારણીય સુરક્ષા મળે તે પણ એટલું જ મહત્વનું છે. દેશમા હાલ અનામતની તરફેણ અને અનામતનો વિરોધ બન્ને મોર્ચે આંદોલન ચાલી રહ્યા છે. દિલ્લીમાં સવર્ણ યુવાનો અનામત હટાવો આંદોલન કરી રહ્યા છે જ્યારે પટણામાં અનામતમાં વધારો આંદોલન ચાલી રહ્યું છે. આ રીતે અનામત આંદોલન દેશમાં સળગતો મુદ્દો બન્યો છે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

