VIDEO: SC-ST અનામતમાં ક્રીમી લેયર મુદ્દે બિહારમાં રાજકીય ભૂકંપ: "પહેલાં પોતે રાજીનામું આપે...", ચિરાગ પાસવાન કેમ લાલઘૂમ થયા?
અનુસૂચિત જાતિ અનામતમાં ક્રીમી લેયર અને સબ-કેટેગરાઈઝેશનના મુદ્દે NDA ના બે મહત્વના સાથી પક્ષો વચ્ચે મોટો રાજકીય ટકરાવ શરૂ થયો છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોદી કેબિનેટમાં પોતાના સાથી મંત્રી જીતનરામ માંઝીનું રાજીનામું માંગી લીધું છે. આ સાથે તેમણે બિહાર સરકારમાં મંત્રી તથા માંઝીના પુત્ર સંતોષ સુમનને પણ ખુરશી છોડવા કહ્યું છે.
જીતનરામ માંઝી પહેલા પોતે રાજીનામું આપે: ચિરાગ પાસવાન
શનિવારે પટનામાં મીડિયા સાથે વાત કરતા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે હિન્દુસ્તાન અવામ મોરચાના વડા જીતનરામ માંઝી જો દલિત અનામતમાં પેટા-વર્ગીકરણ અને ક્રીમી લેયરની તરફેણ કરતા હોય, તો સૌથી પહેલાં તેમણે પોતે અને તેમના પુત્રએ મંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
SC અનામતમાં ભાગલા પાડવા અને ક્રીમી લેયરનો વિરોધ કરતો રહીશ: ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાને જણાવ્યું કે અનુસૂચિત જાતિના તમામ વર્ગો અને જ્ઞાતિઓમાં એકતા છે એટલે જ તેમની સામાજિક શક્તિ ટકી રહી છે. જો SC વર્ગમાં ભાગલા પાડવામાં આવશે તો અનામત વ્યવસ્થા જ ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. જ્યારે અગાઉ દલિત અને મહાદલિત વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ થયો હતો, ત્યારે પણ મેં તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમારી પાર્ટી SC અનામતમાં સબ-કોટા અને ક્રીમી લેયરની વિરુદ્ધ છે. SC અનામત બંધારણીય રીતે સામાજિક પછાતપણું અને અસ્પૃશ્યતાના આધારે આપવામાં આવી છે, આર્થિક આધાર પર નહીં. બંધારણમાં ક્યાંય પણ દલિતો માટે આર્થિક ક્રીમી લેયરનો ઉલ્લેખ નથી.
પહેલા રાજીનામું આપો પછી સંસદમાં ચર્ચા કરીશું: ચિરાગ પાસવાન
માંઝી પર આકરા પ્રહારો કરતાં ચિરાગે કહ્યું કે, જો તેઓ ઇચ્છતા હોય કે અનામતમાં ક્રીમી લેયર લાગુ થવું જોઈએ, તો પહેલાં તેઓ પોતે કેન્દ્રમાંથી રાજીનામું આપે અને તેમના પુત્ર બિહાર કેબિનેટમાંથી હટે. ત્યારબાદ સંસદના પટલ પર આ મુદ્દે ચર્ચા કરાવે. બંધારણ બદલવું હોય તો તેની ચર્ચા ગૃહમાં થવી જોઈએ, બહાર નિવેદનબાજી કરીને સમાજમાં ભાગલા પાડવા યોગ્ય નથી.
જીતનરામ માંઝીનો દાવો- અનામતનો લાભ અત્યંત પછાત વર્ગને મળે તે માટે પેટા વર્ગીકરણ જરૂરી
બીજી તરફ હિન્દુસ્તાન અવામ મોરચાના વડા જીતનરામ માંઝી અને તેમના પુત્ર સંતોષ સુમન અનામત વ્યવસ્થાની સમીક્ષા અને પેટા-વર્ગીકરણની ખુલ્લેઆમ તરફેણ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે આઝાદીના આટલા દાયકાઓ પછી પણ અનામતનો મોટો હિસ્સો માત્ર પાસવાન અને રવિદાસ જેવી આગળ પડતી દલિત જ્ઞાતિઓ સુધી જ સીમિત રહ્યો છે. મુસહર સમાજ જેવી અતિ પછાત અને હાંસિયામાં ધકેલાયેલી જ્ઞાતિઓ આજે પણ વિકાસની દોડમાં પાછળ છે, જેમાંથી એક પણ વ્યક્તિ IAS અધિકારી બની શકી નથી. તેથી અનામતનો વાસ્તવિક લાભ છેવાડાના અત્યંત પછાત વર્ગ સુધી પહોંચે તે માટે સબ-કેટેગરાઈઝેશન અનિવાર્ય છે.
SC અનામત કોઈ ક્રીમી લેયર લાગુ કરવાની જોગવાઈ નથી: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ
આ સમગ્ર વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ થતું નથી. બંધારણમાં SC-ST માટે ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી અને આ ખ્યાલ માત્ર OBC અનામત સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલમાં આર્થિક રીતે નબળા લોકોને અગ્રતા આપવા પેટા-કેટેગરી બનાવવાની માંગણી કરાઈ હતી, જેના પર સરકારે પોતાનો આ પક્ષ મૂક્યો હતો.

